ઓસ્કરની કમિટીમાં વિદ્યા, એકતા – શોભા કપૂર સામેલ
મુંબઈ: ફિલ્મ જગત માટે ઓસ્કરને ટોચનો એવોર્ડ કહેવામાં આવે છે. દર વર્ષે અલગ-અલગ કેટેગરીમાં ફિલ્મોને અલગ-અલગ એવોર્ડ આપવામાં આવે છે. અત્યાર સુધી ખૂબ જૂજ ભારતીય ફિલ્મોનો ઓસ્કર એવોર્ડ મળ્યો છે. પરંતુ આ એવોર્ડના સંચાલનમાં દર વર્ષે ઘણા ભારતીયો ફાળો આપે છે.
સિનેમા જગતના સૌથી મોટા એવોર્ડ ગણાતા ઓસ્કારની ગવર્નિંગ બોડી ધી એકેડેમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સીસ દ્વારા આ વર્ષે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની ૩૯૫ જેટલી વ્યક્તિઓને સામેલ કરવામાં આવી છે. જેમાં વિશ્વભરના અભિનેતા અભિનેત્રી, નિર્માતાઓ, નિર્દેશકો અને ફિલ્મો સાથે જાેડાયેલા અલગ-અલગ પ્રકારના ટેકનિશિયનોનો સમાવેશ થાય છે. આ ૩૯૫ નામોમાં બોલિવૂડના વિદ્યા બાલન, એકતા કપૂર અને શોભા કપૂરને પણ સામેલ કરવામાં આવ્યા છે.
એકેડમીએ ૨૦૧૬માં વિશ્વભરના ૯૨૮ જેટલા લોકોને આમંત્રણ પાઠવ્યું હતું. જેમાં ભારતમાંથી શાહરુખ ખાન, સ્વ. સૌમિત્ર ચેટર્જી, તબુ, આદિત્ય ચોપડા, નસરુદ્દીન શાહ, ડોલી અહલુવાલિયા, બલ્લુ સલૂજા, અનિલ મહેતા, મેહદાબી મુખરજી જેવા નામો સામેલ હતા. ત્યારબાદ ૨૦૨૦માં પણ ઓસ્કર કમિટી દ્વારા અનેક ભારતીય કલાકારો અને ટેક્નિશિયનોને કમિટીમાં સામેલ કરવા આમંત્રણ અપાયું હતું.
આ યાદીમાં અન્ય જાણીતા ચહેરામાં રોબર્ટ પેટિસન, લાવેરન કોક્સ, વેનેસા કિર્બી, સ્ટીવન યૂન પણ છે. ઓસ્કર માટે મત આપવા માટે રચાયેલ ૨૦૨૧ની કમિટીમાં ૪૬ ટકા મહિલાઓ, ૩૯ ટકા અન્ડર રિપ્રેઝન્ટેડ સમૂહો અને બાકીના ૫૩ ટકામાં વિશ્વના ૫૦ દેશમાંથી પસંદગી પામેલા લોકો સામેલ છે.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં શેરની ફિલ્મને લઈને વિદ્યા બાલન ખૂબ ચર્ચામાં રહી છે. આ ફિલ્મને એમેઝોન પ્રાઈમ પર રિલીઝ કરવામાં આવી હતી. એકેડમીએ આ વર્ષે પોતાની ગવર્નિંગ બોડીની જે યાદીમાં વિદ્યા બાલનને સામેલ કરેલ છે, તેમાં વિદ્યા બાલનના નામની આગળ કહાની અને તુમ્હારી સુલુ જેવી ખ્યાતનામ ફિલ્મોનો ઉલ્લેખ છે.
બીજી તરફ એકતા કપૂર અને શોભા કપૂર બોલીવૂડ અને ટીવી જગતના ટોચના પ્રોડ્યુસર પૈકીના એક છે. તેમણે ધ ડર્ટી પિક્ચર, ડ્રિમગર્લ, વન્સ અપોન અ ટાઈમ ઇન મુંબઇ અને ઉડતા પંજાબ જેવી સુપરહિટ ફિલ્મ પ્રોડ્યુસ કરી છે