ઓસ્ટ્રેલિયન ટીમમાં ભારતીય મૂળના સ્પિનર તનવીર પસંદગી
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/tanveer-sangha-1024x768.jpg)
સિડની: ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે પોતાની ૨૩ સભ્યોની ટીમની જાહેરાત કરી છે. વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પર ઓસ્ટ્રેલિયાની ટીમ ૫ ટી૨૦ અને ત્રણ વનડે મેચોની સિરીઝ રમશે. તેની શરૂઆત ૧૦ જુલાઈથી થશે.
ઓસ્ટ્રેલિયાની ટીમમાં ૧૯ વર્ષીય ભારતીય મૂળનો લેગ બ્રેક બોલર તનવીર સંઘા પણ જગ્યા મેળવવામાં સફળ રહ્યો છે. તનવીર પહેલા ભારતીય મૂળનો ગુરિંદર સંધુ ઓસ્ટ્રેલિયા માટે ૨૦૧૫માં રમ્યો હતો. આ સિવાય સ્ટુઅર્ટ ક્લાર્ક અને બ્રેન્સલબી કૂપરનો જન્મ ભારતમાં થયો હતો. તનવીરની ઓસ્ટ્રેલિયાના ડોમેસ્ટિક ક્રિકેટમાં શાનદાર સફર રહી છે.
સંઘા બિગ બેશ લીગની ૧૦મી સીઝનમાં સિડની થંડર્સ તરફથી રમ્યો હતો. તેણે પ્રથમ સીઝનમાં ૧૫ મેચોમાં ૨૧ વિકેટ ઝડપી હતી. આ લેગ સ્પિનરની અત્યારથી ખુબ પ્રશંસા થઈ રહી છે. તે નિયંત્રણની સાથે બોલિંગ કરે છે અને તેના પ્રદર્શનમાં સાતત્યતા છે.
તનવીરના માતા-પિતા ભારતીય મૂળના છે. તે પંજાબના જાલંધરના રહેવાસી છે. તનવીરના પિતા જાેગા સિંહ ૧૯૯૭માં ઓસ્ટ્રેલિયા ચાલ્યા ગયા હતા. તેઓ સિડનીમાં ટેક્સી ચલાવે છે. તનવીરનો જન્મ ૨૬ નવેમ્બર ૨૦૦૧ના સિડનીમાં થયો હતો. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની સત્તાવાર વેબસાઇટ પ્રમાણે સંઘાએ પોતાના કરિયરની શરૂઆત ફાસ્ટ બોલરના રૂપમાં કરી હતી. પરંતુ બાદમાં લેગ સ્પિનની પ્રતિભાને કારણે ઓળખ મળી. સિડનીમાં ક્લબ ક્રિકેટમાં તેણે લેગ સ્પિનની છાપ છોડી. ત્યારબાદ તે જલદી જૂનિયર ટીમોમાં રમતા રાજ્ય અને આંતરરાષ્ટ્રીય ટીમ સુધી પહોંચ્યો છે.
વર્ષ ૨૦૨૦માં ઓસ્ટ્રેલિયા માટે અન્ડર-૧૯ વિશ્વકપમાં તેણે સારૂ પ્રદર્શન કર્યુ હતું. તેણે આ ટૂર્નામેન્ટની છ મેચમાં ૧૪ વિકેટ ઝડપી હતી. તેમાં એક ઈનિંગમાં બે વખત ચાર વિકેટ અને એક વાર ૧૪ રન આપી પાંચ વિકેટ હોલ પોતાના નામે કરી હતી. આ પ્રદર્શન તેણે નાઇઝિરીયા વિરુદ્ધ કર્યુ હતુ.
ઓસ્ટ્રેલિયન ટીમઃ એરોન ફિન્ચ, એશ્ટન અગર, જેસન બેહરેનડોર્ફ, એલેક્સ કેરી, પેટ કમિન્સ, જાેશ હેઝલવુડ, હેનરિક્સ, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, રિલે મેરેડિથ, જાેશ ફિલિપ, ઝાય રિચર્ડસન, કેન રિચર્ડનસ, તનવીર સંઘા, ડી આર્શી શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કલ સ્ટોયનિસ, મિશેલ સ્વેપ્સન, એંડ્ર્યૂ ટાઈ, મેથ્યૂ વેડ, ડેવિડ વોર્નર અને એડમ ઝમ્પા.