Western Times News

Gujarati News

ઓસ્ટ્રેલિયાએ ઈંગ્લેન્ડને ૪-૦ થી હરાવી એશિઝ પર કબ્જો કર્યો

મુંબઇ, ઓસ્ટ્રેલિયાએ પાંચ ટેસ્ટની શ્રેણીમાં ઈંગ્લેન્ડને ૪-૦થી હરાવીને ૩૫મી વખત એશિઝ જીતી લીધી છે. ૨૭૧ રનનાં લક્ષ્યાંકનો પીછો કરતા યજમાન ટીમે ઈંગ્લેન્ડને ૧૨૪ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ઓસ્ટ્રેલિયાને તેની બીજી ઇનિંગમાં ૧૫૫ રનમાં આઉટ કર્યા પછી, ઈંગ્લેન્ડે હોબાર્ટ એશિઝ ટેસ્ટનાં ત્રીજા દિવસે ૨૭૧ રનનો પીછો કરતા મજબૂત શરૂઆત કરી. જાે કે કેમેરોન ગ્રીને ઓસ્ટ્રેલિયાને મેચમાં વાપસી કરવામાં મદદ કરી હતી.

તેણે બીજી ઈનિંગમાં શાનદાર પ્રદર્શન કરીને ઈંગ્લેન્ડની શરૂઆતની ત્રણ વિકેટ ઝડપી હતી. ઈંગ્લેન્ડનો નીચલો ઓર્ડર પત્તાનાં પોટલાની જેમ પડી ભાંગ્યો હતો. ટીમે ૨૩ રનની અંદર પોતાની પાંચ વિકેટ ગુમાવી દીધી હતી.

પેટ કમિન્સ, સ્કોટ બોલેન્ડ અને કેમેરોન ગ્રીને ત્રણ-ત્રણ વિકેટ ઝડપીને ઓસ્ટ્રેલિયાએ રવિવારે પાંચમી અને અંતિમ એશિઝ ટેસ્ટનાં ત્રીજા દિવસે ઈંગ્લેન્ડને ૧૪૬ રનથી હરાવી શ્રેણી ૪-૦થી પોતાના નામે કરી લીધી હતી. ઈંગ્લેન્ડનાં ફાસ્ટ બોલર માર્ક વૂડ (૩૭ રનમાં ૬ વિકેટ) અને સ્ટુઅર્ટ બ્રોડ (૫૧ રનમાં ૩ વિકેટ)ની ઘાતક બોલિંગે ઓસ્ટ્રેલિયાને બીજી ઇનિંગમાં ૧૫૫ રનમાં આઉટ કરીને પોતાની ટીમની જીતની આશા જગાવી હતી.

વિજય માટે ૨૭૧ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઈંગ્લેન્ડની ટીમ ૩૮.૫ ઓવરમાં ૧૨૪ રનમાં સમેટાઈ ગઈ હતી અને તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ બીજી ઈનિંગમાં ત્રણ વિકેટ ગુમાવીને ૩૭ રન સુધી પોતાની ઇનિંગ લંબાવી હતી. સ્ટીવન સ્મિથે ૧૭ અને નાઈટ વોચમેન સ્કોટ બોલેન્ડ ત્રણ રનથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. બોલેન્ડ આઠ રન બનાવી વુડનો શિકાર બન્યો હતો.

પ્રથમ ઇનિંગમાં સદી કરનાર ટ્રેવિસ હેડ બીજી ઈનિંગમાં માત્ર આઠ રન બનાવીને વુડનો આગામી શિકાર બન્યો હતો. સ્મિથ ૬૨ બોલમાં ૨૭ રન બનાવીને વુડનાં બોલ પર ડેવિડ મલાનનાં હાથે કેચ આઉટ થયો હતો. ઓસ્ટ્રેલિયાએ તેની છઠ્ઠી વિકેટ માત્ર ૬૩ નાં સ્કોર પર ગુમાવી હતી, પરંતુ વિકેટકીપર એલેક્સ કેરીએ ૮૮ બોલમાં ચાર ચોક્કાની મદદથી ૪૯ રનની શાનદાર ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયાને ૧૫૫ સુધી પહોંચાડી દીધું હતું.

કેરી નવમાં બેટ્‌સમેન તરીકે ટીમનાં ૧૫૧ રનનાં સ્કોર પર આઉટ થયો હતો. વુડે પેટ કમિન્સને ૧૩ રને આઉટ કરીને ઓસ્ટ્રેલિયાની ઇનિંગને ૧૫૫ રનમાં સમેટી દીધી હતી. માર્ક વૂડે ૧૬.૩ ઓવરમાં ૩૭ રન આપીને છ વિકેટ લીધી હતી જ્યારે બ્રોડને ૫૧ રનમાં ત્રણ અને ક્રિસ વોક્સને ૪૦ રનમાં એક વિકેટ મળી હતી.

ટાર્ગેટનો પીછો કરતા ઈંગ્લેન્ડે ૬૮ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી પરંતુ તે પછી તેણે ૧૨૪ રનમાં પોતાની તમામ ૧૦ વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર જેક ક્રાઉલીએ ૬૬ બોલમાં સાત ચોક્કા સાથે સૌથી વધુ ૩૬ રન બનાવ્યા હતા જ્યારે રોરી બર્ન્સે ૪૬ બોલમાં ૨૬ રન બનાવ્યા હતા.

ઈંગ્લેન્ડે એક વિકેટે ૮૨ રનની સ્થિતિમાંથી માત્ર ૪૨ રનમાં તેની છેલ્લી નવ વિકેટ ગુમાવી દીધી હતી. ડેવિડ મલાન ૧૦ અને કેપ્ટન જાે રૂટે ૧૧ રન બનાવીને આઉટ થયો હતો જ્યારે વુડે સાત બોલમાં ૧૧ રન બનાવ્યા હતા. કમિન્સે ઓલી રોબિન્સનને બોલ્ડ કરીને ઈંગ્લેન્ડની ઈનિંગ્સને સમેટી લીધી હતી. ઓસ્ટ્રેલિયાનાં ટ્રેવિસ હેડને પ્લેયર ઓફ ધ મેચ તેમજ પ્લેયર ઓફ ધ સીરીઝ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.