ઓસ્ટ્રેલિયાના ક્રિકેટર રોડ માર્શનું ૭૪ વર્ષની વયે નિધન
બ્રિસબેન, ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ વિકેટકીપર બેટ્સમેન રોડ માર્શનું અવસાન થયું છે. એક સપ્તાહ પહેલા ક્વીન્સલેન્ડ ખાતે ધર્માર્થ કાર્યો માટે પૈસા એકત્રિત કરવા માટે આયોજિત કાર્યક્રમ દરમિયાન તેમને હાર્ટ એટેક આવ્યો હતો. તેઓ ૭૪ વર્ષના હતા.
સ્પોર્ટ ઓસ્ટ્રેલિયા હોલ ઓફ ફેમએ શુક્રવારે પૃષ્ટિ કરી હતી કે, ૧૯૭૦થી ૧૯૮૪ દરમિયાન ઓસ્ટ્રેલિયા માટે ૯૬ ટેસ્ટ રમનારા માર્શનું એડીલેડની હોસ્પિટલમાં અવસાન થયું છે. એક સમયે તેમના નામે વિકેટકીપર દ્વારા સર્વાધિક ૩૫૫ કેચનો રેકોર્ડ તેમના નામે હતો જેમાં મહાન ફાસ્ટ બોલર ડેનિસ લિલીના બોલ પર કરેલા ૯૫ કેચ પણ સામેલ હતા. તેઓ ઓસ્ટ્રેલિયા માટે ૯૨ એકદિવસીય આંતરરાષ્ટ્રીય મુકાબલા પણ રમ્યા હતા.
તેમણે ફેબ્રુઆરી ૧૯૮૪માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. ડાબોડી બેટ્સમેન માર્શ ટેસ્ટ ક્રિકેટમાં સદી કરનારા પ્રથમ ઓસ્ટ્રેલિયન વિકેટકીપર હતા. તેમણે પોતાની કરિયરમાં ૩ ટેસ્ટ સદી કરી. માર્શ ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડમાં રાષ્ટ્રીય ક્રિકેટ અકાદમીઓના પ્રમુખ પણ રહી ચુક્યા છે. તેઓ દુબઈ ખાતે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદની વિશ્વ કોચિંગ અકાદમીના પ્રથમ પ્રમુખ હતા. તેઓ ૨૦૧૪માં ઓસ્ટ્રેલિયાની સિલેક્શન સમિતિના અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા અને ૨ વર્ષ સુધી તે પદ સંભાળ્યું હતું.
માર્શને ૧૯૮૫માં સ્પોર્ટ ઓસ્ટ્રેલિયા હોલ ઓફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા હતા. હોલ ઓફ ફેમના અધ્યક્ષ જાેન બરટ્રેંડે જણાવ્યું કે, માર્શ ડર્યા વગર પોતાની વાત રાખતા હતા અને તેમણે યુવા ક્રિકેટર્સની પ્રતિભા પણ ઓળખી હતી.SSS