ઔડા હસ્તકના ૧૬૮ ગામને વિકાસ કામો માટે હવે ૩૦ લાખ સુધીની ગ્રાન્ટ ફાળવાશે
શહેર ફરતે આવેલા શેલા, ગૌધાવી સહિતના મોટા ગામોને ૩૦ લાખ ગ્રાન્ટ મળશે, આરસીસી રોડ સહિત વિકાસના કામો થઈ શકશે
(એજન્સી) અમદાવાદ, ઔડાએ ગ્રામ પંચાયતોને સદભાવના ફંડની રકમ વધારી દીધી છે. હવે વસતિના આધારે ગામો ફંડ મળશે. ઔડા હસ્તકમાં આવતા ૧૬૮થી વધુ ગામોને વિકાસના કામો માટે ૧૫ લાખને બદલે ૩૦ લાખ સુધીની ગ્રાન્ટ ફાળવાશે. આ અંગેની સત્તા એડી.કલેક્ટરને સોંપાઈ છે.
અમદાવાદ શહેરની ફરતે આવેલા શેલા, ગૌધાવી સહિતના મોટા ગામોને ૩૦ લાખ ગ્રાન્ટ મળશે. આરસીસી રોડ સહિત વિકાસના કામો થઈ શકશે. ઔડા દ્વારા દરેક ગામને ૧૫ લાખ ગ્રાન્ટ અપાતી હતી, પણ હવે ૧૫,૨૫ અને ૩૦ લાખ એમ ત્રણ પ્રકારે વસતિ આધારે ગ્રાન્ટ અપાશે.
અમદાવાદ શહેરની ફરતે આવેલા ઔડા હસ્તકના ગામોમાં વિકાસના કામો કરવા માટે સદભાવના ફંડના નામે વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. ઔડાએ વર્ષ ૨૦૧૫માં પહેલીવાર સદભાવના ફંડની જાેગવાઈ કરી હતી. ઔડા હસ્તકના ગામોની અંદર રોડ પાણી કે પેવર બ્લોક સહિતના વિવિધ કામો કરવા માટે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હતી.
આ અંગે ગામોને મહત્તમ ૧૫ લાખ સુધીની ગ્રાન્ટ આપવામાં આવતી હતી. જાેકે, અમદાવાદ શહેરની આસપાસ આવેલા માટેા ગામોમાં વિકાસના કામો માટે વધારે ગ્રાન્ટની જરૂરિયાત પડતી હોવા અંગે વારંવાર રજૂઆતો થતી હતી. જેથી ઔડાએ બોર્ડની બેઠકમાં ઠરાવ કરીને ગામની વસતિના આધારે બજેટની ફાળવણી કરવાની નક્કી કર્યું હતું.
ઔડા હસ્તક હાલમાં ૧૬૮ ગામો છે. જે પૈકી ૩ હજારની વસતિ હોય તો ગામની ૧૫ લાખ સુધીની ગ્રાન્ટ, ૩૦૦૦થી ૭૦૦૦ સુધીની વસતિ હોય તો ૨૫ લાખ સુધીની ગ્રાન્ટ અને ૭૦૦૦થી વધુ વસતિ હોય તો ૩૦ લાખ સુધીની ગ્રાન્ટ આપવાની જાેગવાઈ કરાઈ છે.
આ ગ્રાન્ટમાંથી આરસીસી રોડ, પેવર બ્લોક, ધોબાઘાટ, પાણીની લાઈનો સહિતના વિવિધ પ્રાથમિક સુવિધાના કામો કરી શકાય છે. આ વિકાસના કામો માટે ગ્રાન્ટ ફાળવણીની સત્તા એડી.કલેક્ટરને સોંપાઈ છે.