ઔદ્યોગિક ગઢમાં વિસ્ફોટોની ઘટનાઓ ઉપર ભરૂચ સાંસદ મનસુખ વસાવાની કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીને તાત્કાલિક રોક લગાવવા રજુઆત
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: ભરૂચ જીલ્લાની ઔદ્યોગિક વસાહતોમાં અવારનવાર અગ્નિકાંડ, ઝેરી ગેસ અને હવા પ્રદુષણની ઘટનાઓમાં સાંસદ મનસુખ વસાવાએ કેન્દ્ર અને રાજ્ય સરકારનું ધ્યાન દોર્યું છે.પોતાના સંસદીય મતવિસ્તારમાં છાશવારે બનતી ઔદ્યોગિક હોનારત ચિંતાજનક હોવાનો ખેદ વ્યક્ત કરી અસરગ્રસ્તોને વળતર ચૂકવવા માંગ કરી છે.
કેન્દ્રીય મંત્રીઓ અને મુખ્યમંત્રીને પત્ર લખી આવી ઔદ્યોગિક ઘટનાઓની તપાસ કરી તેના ઉપર હંમેશા માટે રોક લગાવવા તાત્કાલિક પગલાં ભરવા અનુરોધ કરાયો છે.કોટન કિંગ ભરૂચ જીલ્લાના ચાર તાલુકામાં હાલ રાસાયણિક હુમલાના કારણે કપાસના પાકનો હજારો હેકટરમાં દાટ વળી ગયો છે.ભરૂચ જીલ્લા ખેડૂત સમાજે સોમવારે જ કલેકટરને છોડવાઓ સાથે ન્યાય માટે રજુઆત કરી હતી. રાતે જ દહેજની SRF કંપનીમાં સર્જાયેલી એસિડ લિકેજની ઘટનામાં એક કામદારનું મૃત્યુ અને બે ગંભીર રીતે દાઝી ગયા હતા.
જીલ્લાના અંકલેશ્વર,દહેજ,પાનોલી,ઝઘડિયા અને જંબુસરની મોટી ઔદ્યોગિક વસાહતોમાં અવારનવાર સર્જાતી હોનારતો,અગ્નિકાંડ,ઝેરી ગેસ છોડવાથી ફેલાતા હવા પ્રદુષણ અંગે ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ભારે ચિંતા વ્યક્ત કરી છે.સાંસદે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયેલ,જળ,વાયુ અને પર્યાવરણ મંત્રી ભુપેન્દ્ર યાદવ તેમજ મુખ્યમંત્રી વિજય રૂપાણીને ઉદ્યોગોના કારણે ખેડૂતો,કામદારો અને લોકોને થતી નુકશાની તેમજ જનહાની અટકાવવા કાયમી પગલાં ભરવા માંગણી કરી છે.સાથે જ અસરગ્રસ્તોને યોગ્ય વળતર ચૂકવવા પત્ર થકી રજુઆત કરાઈ છે.
બીજી તરફ દહેજની SRF કંપનીમાં સોમવારે સલ્ફયુરિક એસિડ ટેન્કમાં પ્રેશર વધી જતાં થયેલા વિસ્ફોટમાં મૃત્યુ પામેલા ઝુબેર રાણાના પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો.શહેરની ખાનગી હોસ્પિટલમાં વાગરાના કોંગી આગેવાન સુલેમાન પટેલ સહિત જીલ્લાના અન્ય આગેવાનો ભેગા થઈ ગયા હતા.કંપની સત્તાધીશો સાથે વળતર ચૂકવવાને લઈ સમાધાન થયા બાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભરૂચ સિવિલમાં ખસેડાયો હતો.