કંગનાના ડ્રગ્સ કનેક્શનની તપાસ શરુ કરાઇ
મુંબઇ, સુશાંત સિંહ રાજપૂતની મોતને કેસ દરમિયાન મહારાષ્ટ્ર સરકાર સામે પડેલી બોલીવૂડ અભિનેત્રી કંગનાની સમસ્યાઓ દિવસે-દિવસે વધી રહી છે. મહારાષ્ટ્ર સરકારે હવે કંગનાના ડ્રગ કનેક્શનની તપાસ શરુ કરાવી છે. મહારાષ્ટ્ર સરકારે આ તપાસ એક જૂના ઇન્ટરવ્યુના આધારે શરુ કરાવી છે, જેમાં શેખર સુમનના પુત્ર અધ્યાયન સુમને આરોપ લગાવ્યા હતા કે, કંગના જાતે ડ્રગનુ સેવન કરતી અને તેને ડ્રગ્સ લેવા માટે મજબૂર કરતી હતી.
મહારાષ્ટ્ર સરકારમાં ગૃહમંત્રી અનિલ દેશમુખના જણાવ્યા મુજબ અધ્યયન સુમનનો જૂના વીડિયોની કોપી મહારાષ્ટ્ર સરકારને સોંપવામાં આવી છે. જેના આધારે કંગનાના ડ્રગ્સ કનેક્શનની તપાસ શરુ કરવામાં આવી છે. કંગના અને સંજય રાઉત વચ્ચે છેડાયેલા વાકયુદ્ધ દરમિયાન સોમવારે જ મહારાષ્ટ્ર કોંગ્રેસે કંગનાના ડ્રગ્સ કનેક્શનની તપાસ કરવા માટે માંગ કરી હતી. જોકે સોમવારે બીએમસીએ પણ કંગના સામે કાર્યવાહી કરતા તેની ઓફિસ પર પહોંચી માપણી શરુ કરી હતી. જેનો વીડિયો શેર કરી કંગનાએ તેનો વિરોધ કર્યો હતો.