કંટોડીયાવાસ આગળ શખ્સે જાહેરમાં મહીલાની ટીશર્ટ ફાડી લાફા માર્યા
કાગડાપીઠ પોલીસે ફરીયાદ નોંધી તપાસ શરૂ કરી
(પ્રતિનિધિ) અમદાવાદ, શહેરના કંટોડીયાવાસની બહાર આવેલી એક દુકાને ગયેલી મહીલાને શખ્સે રોકીને ધમકીઓ આપ્યા બાદ ભરબપોરે જાહેરમાં જ તેની ટી-શર્ટ ફાડી નાખી હતી ઉપરાંત મહીલાને લાફા મારતા નીચે બેસી ગઈ હતી જેથી શખ્સે તેને લાતો મારવાનું શરૂ કરતા બુમાબુમને પગલે શખ્સ મહીલાને ધમકીઓ આપી નાશી છુટયો હતો.
આ ઘટનાની વિગત એવી છે કે રજનીબેન ચંદ્રકાન્ત ચુનારા (૩૦) કંટોડીયાવાસ મ્યુનિસિપલ સ્ટાફ કવાર્ટસ બાજુમાં રાયપુર દરવાજા ખાતે રહે છે આઠ વર્ષ અગાઉ તેમના છુટાછેડા થઈ જતાં રજનીબેન પોતાની માતા અને પુત્રી સાથે રહે છે.
સોમવારે બપોરે બે વાગ્યે તે કંટોડીયાવસના નાકે શ્રી રામ ચા ઘર નામની દુકાને ગયા હતા જયાં પાર્થ ઉર્ફે હેરી પોટર વિનોદચંદ્ર વીંછી (રાધાકૃષ્ણ નગર-૩, હાટકેશ્વર) નામનો શખ્સ તેમની પાસે આવીને તું પોલીસમાં મારા વિશે ખોટી વાતો કેર છે કહી ગાળો બોલવા લાગ્યો હતો જેનો રજનીબેને વિરોધ કરતા પાર્થે ઝપાઝપી કરી જાહેરમાં જ તેમની ટી-શર્ટ ફાડી નાખતાં ચોંકી ગયેલા રજનીબેને તેને ધક્કો માર્યો હતો. ઉશ્કેરાયેલા પાર્થે તેમને લાફા માર્યા હતા જેને પગલે રજનીબેન નીચે બેસી જતાં પાર્થ લાતો મારવા લાગતાં રજનીબેને બુમાબુમ કરી મુકતા ટોળું એકત્ર થઈ જતા પાર્થ બીજી વખત મળીશ ત્યારે છોડીશ નહી’ તેમ કહીને ભાગી ગયો હતો. આ ઘટનાની ફરીયાદ નોંધી કાગડાપીઠ પોલીસે તપાસ શરૂ કરી છે.