કંથારિયા ગામે પંચાયતના સભ્યની પેટા ચૂંટણીનો વિવાદ
(પ્રતિનિધિ) ભરૂચ : ભરૂચ તાલુકાના કંથારિયા ગામે વોર્ડ નંબર ૮ ના સભ્યએ રાજીનામું આપ્યા બાદ લાંબા ગાળે તંત્રએ ચૂંટણી જાહેર કરતા વિવાદ ઉભો થયો છે કંથારિયાના આદિવાસી સમાજે આજરોજ જિલ્લા કલેકટરને આવેદન આપી સભ્યની ચૂંટણી માટે સરકારી બાબુઓએ ઈરાદાપૂર્વક વિલંબ કરી નિયમોનો ભંગ કર્યો હોવાનો આક્ષેપ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
કંથારિયા ગામના આદિવાસી આગેવાન અને એડવોકેટ વિજય વસાવાની આગેવાનીમાં આદિવાસી સમાજે ન્યાયની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદન આપ્યું હતું આવેદનમાં વોર્ડ નં.૮ ના આદિવાસી સભ્ય વર્ષાબેન ઈશ્વરભાઈ વસાવા રાજીનામું આપવા મજબૂર કરાયા હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. વર્ષાબેન વસાવાએ ર૪ માર્ચ ર૦૧૮ના રોજ રાજીનામું આપતા ૩૦ માર્ચ ર૦૧૮ના રોજ પંચાયતની સામાન્ય સભામાં રાજીનામું મંજુર કરાયું હતું નિયમ મુજબ રાજીનામુ મંજૂર કરાયાના બે થી ત્રણ દિવસમાં તેનો અહેવાલ તાલુકા પંચાયતમાં મોકલવાનો હોય છે
પરંતુ તલાટીએ નિયમ મુજબની કાર્યવાહી કરી ન હતી આ અંગેનો અહેવાલ ૧પ દિવસ પછી તાલુકા પંચાયતને મોકલાયો હતો જેમાં તલાટીની ગંભીર બેદરકારી છબી થતો હોવાનો આક્ષેપ કરાયો છે.
તાલુકા પંચાયતમાં સભ્યની ચૂંટણી બાબતે તપાસ કરતા ત્યાંથી અહેવાલ પ્રાંત અધિકારીને મોકલાયો હોવાનું જણાવ્યું હતું પરંતુ પ્રાંત અધિકારીએ ર૩ જુલાઈના રોજ લેખિતમાં કોઈ દરખાસ્ત ન મળી હોવાનો ખુલાસો કર્યો હતો જેમાં તાલુકા વિકાસ અધિકારીની પણ ગંભીર બેદરકારી છતી થઈ હોવાનો દાવો આવેદનમાં કરાયો છે.
આવેદનમાં જણાવ્યા મુજબ તલાટી અને તાલુકા વિકાસ અધિકારીની પોતાની ફરજ પ્રત્યેની ગંભીર બેદરકારી સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ ઉઠાવતા જ સમગ્ર પ્રકરણને દબાવી દેવા તત્કાલ ધોરણે ર૩ સપ્ટેમ્બરના રોજ આગામી ૧૩ ઓકટોબરના રોજ ચુંટણી યોજાવાની જાહેરાત કરાઈ હોવાનો આક્ષેપ કરાયો છે. આ ઉપરાંત જયાં સુધી અધિકારીઓની બેદરકારી સામે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી ચૂંટણી ન કરવાની માંગ ઉઠાવી છે.*