Western Times News

Gujarati News

કચરો ફેકશો તો દંડ થશેઃ ફીડબેક આપશો તો દૂધ મળશે

સ્વચ્છતા સર્વેક્ષણની પીછે હઠથી રઘવાયા થયેલા કમીશ્નરના તઘલખી તુક્કા  

(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ: કેન્દ્ર સરકારના સ્વચ્છ ભારત મિશન અંતર્ગત સ્વચ્છતા સર્વેક્ષણ ર૦ર૦ ચાલી રહયું છે. સ્વચ્છતા સર્વેક્ષણના પ્રાથમિક પરીણામમાં અમદાવાદ શહેરની ભારે પીછેહઠ થઈ છે. જયારે સતત ત્રીજા વર્ષ ઈન્દૌર પ્રથમ નંબર જાળવી રાખ્યો છે. સ્વચ્છતા સર્વેક્ષણના ખરાબ પરીણામના પગલે મ્યુનિ.કમીશ્નર રઘવાયા થયા છે. તેથી જાહેરમાં કચરો ફેકનાર પાસેથી રૂ.પાંચ લાખ સુધીનો દંડ વસુલ કરવાની જાહેરાત પણ કરી છે.


મ્યુનિ. સોલીડ વેસ્ટ ખાતાના “કર્મનિષ્ઠ” કર્મચારીઓ પણ કમીશ્નરની આજ્ઞાનું અનુકરણ કરીને ગંદકી દુર કરવાના બદલે દંડ વસુલ કરી રહયા છે. તેમ છતાં કમીશ્નરને સંતોષ થયો નથી. મ્યુનિ.કમીશ્નર ર૦૧૯ની જેમ યેનકેન પ્રકારે સારો ક્રમાંક મેળવવા તલપાપડ છે. તેથી નવા નુસ્ખા અજમાવી રહયા છે. જેમાં સારા “ફીડબેંક” મેળવવા માટે તેઓ નાગરીકોને દુધ પીવડાવવા તૈયાર થયા છે. સાથે-સાથે વોર્ડદીઠ દૈનિક રૂ.એક લાખનો દંડ વસુલ કરવા માટે ટાર્ગેટ આપવામાં આવ્યો છે. શહેરીજનોને દુધ પીવડાવવાની વાતને કોગ્રેસે હાસ્યાપદ ગણાવી હતી તથા બે કલાક શુધ્ધ પાણી ન આપી શકનાર કમીશ્નર તેમની નિષ્ફળતા છુપાવવા માટે તઘલખી નિર્ણયો કરી રહયા હોવાનું જણાવ્યું હતું.

સ્વચ્છતા સર્વેક્ષણ -ર૦ર૦ના પરીણામ અમદાવાદ શહેર અને મ્યુનિ.કમીશ્નર માટે આઘાતજનક સાબિત થયા છે. સર્વેક્ષણમાં તમામ રીતે અમદાવાદની પીછેહઠ થઈ છે. હવે સઘળો મદાર નાગરીકોના ફીડબેક પર રહયો છે.  મ્યુનિ કમીશ્નર અને સોલીડ વેસ્ટ ખાતાના અધિકારી છેલ્લા દસ દિવસ થી સારા અને વધુ ફીડબેક માટે મરણિયા પ્રયાસ કરી રહયા છે. પરંતુ સમગ્ર વર્ષ દરમ્યાન કામગીરી માટે નિદ્રાધીન રહીને નાગરીકો પાસેથી માત્ર દંડ વસુલ કરવાની નીતિ અખત્યાર કરનાર અધિકારીઓને નબળો પ્રતિસાદ મળી રહયો છે.

જેના પરીણામે મ્યુનિ.કમીશ્નર નવા અને હાસ્યાપદ કહી શકાય તેવા ઉપાયો સુચવી રહયા છે. મ્યુનિ. કમીશ્નરના અધ્યક્ષસ્થાને ગુરુવારે રીવ્યુ બેઠક મળી હતી જેમાં ચર્ચાનો એકમાત્ર મુદ્દો સ્વચ્છતા સર્વેક્ષણ રહયો હતો. સુત્રોને જણાવ્યા મુજબ મ્યુનિ. કમીશ્નર વધુ એક વખત સારા ક્રમાંક મેળવવા માટે તલપાપડ બની રહયા છે. તથા તેના માટે તેઓ કાંઈપણ કરવા તૈયાર છે. સર્વેક્ષણમાં પીછેહઠ ના રીપોર્ટ મળ્યા બાદ કમીશ્નરે દંડ વસુલાતની શરૂઆત કરાવી છે.

તથા છેલ્લા બે દિવસ દરમ્યાન અનેક એકમો સામે કાર્યવાહી પણ થઈ છે. તેમ છતાં દંડ કમીશ્નરને દંડની રકમ ઓછી લાગી રહી છે. તેથી વોર્ડદીઠ દૈનિક રૂ.એક લાખની વસુલાતનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. નાગીરકો પાસેથી દંડ પેટે તગડી રકમ વસુલ કરવાના બંધબારણે આદેશ આપ્યા બાદ ફીડબેક માટે જાહેરામં દુધ પીવડાવવા માટે પણ કમીશ્નર તૈયાર થયા છે.


સ્વચ્છતા સર્વેક્ષણમાં સારા ફીડબેક મળે તોક્રમાંક સુધરી શકે છે તેથી ફલાવર-શો જાવા આવતા નાગરીકોને અમુલ દૂધની બોટલ આપીને સારા ફીડબેક લેવા માટે પણ અધિકારીઓને સુચના આપી છે. મ્યુનિ. કમીશ્નરના મંતવ્ય મુજબ નાગરીકો દુધની બોટલ લેવા માટે લાઈનમાં ઉભા રહે તે સમયે તેમના સારા ફીડબેક લઈ લેવામાં આવે તો પરીણામ સુધરી શકે છે. સ્વચ્છતા સર્વેક્ષણની નિષ્ફળતાના પગલે કમીશ્નર રઘવાયા થયા હોય તેમ સુત્રો માની રહયા છે.

મ્યુનિ.કોંગ્રેસપક્ષના પૂર્વેનેતા સુરેન્દ્રભાઈ બક્ષીના જણાવ્યા મુજબ સમગ્ર વર્ષ દરમ્યાન સફાઈ મુદ્દે સારી કામગીરી થતી નથી. પરંતુ સ્વચ્છતા સર્વેક્ષણ દરમ્યાન નાગરીકો પાસેથી ખોટી રીતે દંડ વસુલ કરવામાં આવે છે. ખરેખર તો ડોર ટુ ડમ્પના કોન્ટ્રાકટરો પાસેથી દંડની રકમ વસુલ કરવી જાઈએ. નાગરીકો પાસેથી સારા ફીડબેક લેવા માટે દુધની લાલચ આપવામાં આવી હોવાના અહેવાલ વહેતા થયા છે. આ અત્યંત હાસ્યાસ્પદ બાબત છે. મ્યુનિ. કમીશ્નર એક તરફ દંડ વસુલ કરવા આદેશ આપે છે. જયારે બીજી તરફ સારા ફીડબેક માટે નાગરીકો ને પ્રલોભન આપી રહયા છે. શહેરીજનોને બે કલાક શુધ્ધ પાણી સપ્લાય કરવામાં નિષ્ફળ ઉચ્ચ અધિકારીઓતેમના અહંમને પોષવા માટે કેવા નુસ્ખા કરે છે તે આ બાબત પર થી ફલિત થાય છે. તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.