કચ્છના ઘુડખર અભયારણ્યમાં બિન અધિકૃત વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો

(માહિતી બ્યુરો, પાલનપુર) વન્ય પ્રાણી અને પક્ષીઓ ગુજરાતની ઓળખ છે. તેમનું રક્ષણ કરવું એ સરકારની સાથે સાથે નાગરિકોની પણ ફરજ છે. ત્યારે કચ્છનાં નાનાં રણમાં આવેલું ઘુડખર અભ્યારણ્ય માત્ર કચ્છ જ નહીં સમગ્ર ગુજરાતની ઓળખ છે.
અહીં વિવિધ વન્ય પ્રાણીઓ વસવાટ કરે છે, ત્યારે તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તા.૧૬/૦૬/૨૦૨૨ થી તા.૧૫/૧૦/૨૦૨૨ સુધી ઘુડખર અભયારણ્યમાં પ્રવેશ પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું ઘુડખર અભ્યારણ્ય, ધ્રાંગધ્રા નાયબ વન સંરક્ષકશ્રી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે.
ગુજરાત સરકારશ્રીએ તા.૧૨/૦૧/૧૯૭૩ ના જાહેરનામાંથી સને ૧૯૬૩ ના ગુજરાતના વન્યપ્રાણી અને પક્ષીઓના સંરક્ષણ બાબતના અધિનિયમ અન્વયે કચ્છનું નાનું રણ આઈલેન્ડ/ બેટ સહિત તથા કચ્છના નાનાં રણ અને તેને લાગું આવેલા સરકારી પડતર ખરાબાઓના વિસ્તારને અભયારણ્ય, શિકાર પ્રતિબંધિત આશ્રય સ્થાન “જંગલી ગધેડાઓના અભયારણ્ય” તરીકે જાહેર કરેલ છે.
આ અભયારણ્યમાં વિવિધ વન્યપ્રાણીઓ વસવાટ કરે છે જેથી બિન અધિકૃત વ્યક્તિઓએ વાહનો લઇ કે પગપાળા અભયારણ્યમાં પ્રવેશ કરવો નહી તથા આ ઉપરાંત સ્થાનિક નિવાસીઓએ ૨૦ કિ.મી. થી વધુ ઝડપે કોઇએ વાહનો ચલાવવા નહી. તેમ છતાં આવા કોઇ ઇસમો માલુમ પડશે તો તેમની સામે વન્યપ્રાણી સંરક્ષણ ધારા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ ધ્રાંગધ્રા ઘુડખર અભયારણ્યના નાયબ વન સંરક્ષકશ્રી ડૉ. ડી. એફ. ગઢવીની અખબારી યાદીમાં જણાવ્યું છે.