કચ્છના પિંગલેશ્વર મંદિરમાં ઘરેણાઓની ચોરીથી ભાવિકોમાં રોષ

પ્રતિકાત્મક
ભુજ: અબડાસાના દરિયાકિનારે આવેલા સુપ્રસિદ્ધ પિંગલેશ્વર મહાદેવ મંદિરમાંથી રાત્રી દરમ્યાન તસ્કરો છત્ર સહિતના દાગીનાની ચોરી ગયા હોવાનું સામે આવતા ભવિકજનોમાં દુઃખ સાથે રોષની લાગણી ફેલાઇ છે.
આ વિશે મળતી પ્રાથમિક માહિતી મુજબ સુરક્ષા બંદોબસ્ત વચ્ચે તસ્કરો રાત્રીના ૧૨ વાગ્યાની આસપાસ મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચીને ચાંદીના છત્ર, ચાંદીની જલધારા અને ત્રિશુલ સહિતના દાગીના ચોરી ગયા હતા. ઘરેણાની કિંમત અંદાજિત ૨૫ હજાર જેટલી થાય છે. બનાવની જાણ જખૌ પોલીસને કરાતા પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે. મંદિરના મહંત પુરુષોત્તમ ગિરિબાપુએ જણાવ્યું હતું કે રાત્રે ૧૨ વાગ્યા સુધી મંદિરમાં નવા યાત્રાળુ કે કોઈ વ્યક્તિ આવ્યા નથી પરંતુ મોડી રાત્રે સામાન્ય અવાજ આવતો જાેઈ હું જાગી જતાં બે યુવાનોને ભાગતા જાેયા હતા તેમને પડકારવા છતાં બંને યુવકો નાસી ગયા હતા. બાદમાં મંદિરની અંદર તપાસ કરતા ચોરી થઈ હોવાનું દેખાયું હતું.
અલબત્ત પિંગલેશ્વર મહાદેવ મંદિર ખાતે બોર્ડર વિંગ, હોમગાર્ડ ચોકી અને જખૌ મરીન પોલીસ સુરક્ષા બંદોબસ્ત તહેનાત રહે છે. તેના વચ્ચે કોઈ તસ્કરો મંદિરમાં ચોરી કરી જતા અનેક તર્ક વિતર્ક ફેલાયા છે.