કચ્છની લોકસંસ્કૃતિને ઉજાગર કરતાં રણમાં ગેટ વે રણ રિસોર્ટની મુલાકાત લેતા ઉપરાષ્ટ્રપતિ
નેશનલ એવોર્ડ વિજેતા ધોરડો ગ્રામ પ્રવાસન વિકાસ ટ્રસ્ટ દ્વારા સંચાલીત ગેટ વે રણ રિસોર્ટના કચ્છી ભૂંગાની વિશેષતાથી અવગત થતા ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુજી
કચ્છના મહેમાન બનેલા ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુજીએ ધોરડોમાં આવેલ ગેટ વે રણ રિસોર્ટની મુલાકાત લઇ કચ્છના ટુરિઝમ અંગે માહિતગાર થયા હતા. ધોરડો ગ્રામ પંચાયતના સરપંચશ્રી મીયાંહુસેન મુતવાએ ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને રિસોર્ટમાં કચ્છી શાલ ઓઢાડીને આવકાર્યા હતા.
ધોરડો ગ્રામ પ્રવાસન વિકાસ ટ્રસ્ટ દ્વારા સંચાલીત ગેટ વે રણ રિસોર્ટના રિસેપ્શનમાં ધોરડો ગ્રામ પંચાયતના સરપંચશ્રી મીયાંહુસેન મુતવાએ ઉપરાષ્ટ્રપતિશ્રીને વર્ષ ૨૦૧૦ થી અત્યાર સુધીની વિકાસગાથા અને મહાનુભવોએ લીધેલી મુલાકાત અંગેના ફોટો પ્રદર્શન દર્શાવીને જાણકારી આપી હતી. રાષ્ટ્રીય પ્રવાસન દિવસે સમગ્ર દેશમાં પ્રવાસન ક્ષેત્રે વિશિષ્ટ એવોર્ડ મેળવનાર આ રિસોર્ટ સરહદી વિસ્તાર વિકાસ કાર્યક્રમ હેઠળની ગ્રાન્ટમાંથી નિર્માણ કરવામાં આવ્યું છે જેનું તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે લોકાર્પણ કરાયું હતું તે અંગેની માહિતી આપવામાં આવી હતી.
રિસોર્ટના પ્રાંગણમાં ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુજી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ ખાટલા પર બેસીને કચ્છી લોકગીત-સંગીતને પણ માણ્યું હતું. અહીં કલાકારોએ કચ્છી વાદ્ય મોર ચંગ, જોડીયા પાવો જેવા વાદ્યોનો પરિચય આપીને વાદ્યની વિશેષતાઓ દર્શાવીને લોકસંગીત પીરસ્યું હતું. કચ્છી લોકસંગીત માણ્યા બાદ ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુજીએ રિસોર્ટના કચ્છી રજવાડી ભૂંગાની મુલાકાત લઇ ભૂંગાની વિશેષતાઓ જાણી હતી.
આ મુલાકાત વેળાએ ધોરડો ગ્રામ પંચાયતના સદસ્યો, રિસોર્ટના કર્મચારીઓએ ઉપરાષ્ટ્રપતિશ્રી અને રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીને કચ્છી શાલ ઓઢાડીને આવકાર આપ્યો હતો. આ પ્રસંગે હાજી અલી અકબર, હાજી અબ્દુલ કલામ, મકબુલ હાજી ફતેહ મામદ, હામદ મીયાં આમદ, ફીઝુલા હફીઝુલ્લા, ઇકબાલ અમીશા સહિત સ્થાનિક કલાકારો પણ જોડાયા હતા.
રિસોર્ટની મુલાકાત સમયે પ્રવાસન મંત્રીશ્રી જવાહરભાઇ ચાવડા, પ્રવાસન રાજ્યમંત્રીશ્રી વાસણભાઇ આહિર, સાંસદ વિનોદભાઇ ચાવડા, ધારાસભ્યો સર્વશ્રી ડૉ. નીમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રધ્યુમનસિંહ જાડેજા, ટુરીઝમ સેક્રેટરીશ્રી મમતા વર્મા, ગુજરાત પ્રવાસન નીગમ ના વહિવટી સંચાલકશ્રી જેનુ દેવાન, જિલ્લા કલેક્ટરશ્રી એમ. નાગરાજન, જિલ્લા પોલીસવડા સૌરભ તોલંબીયા સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.