કચ્છમાં અષાઢી બીજના મેઘમહેરથી કચ્છી નવા વર્ષની ખુશી બેવડાઈ
ભુજ, રાજ્યમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર ઇનિંગ શરૂ કરી છે. કચ્છમાં મધ્યરાત્રીથી અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. વરસાદ પડવાની સાથે જિલ્લાના અનેક વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાતા લોકો પરેશાન થયા હતા. ત્યારે કચ્છમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
રાજ્યમાંથી વરસાદ ખેંચાઈ જતા છેલ્લા કેટલાક દિવસોથી અસહય ઉકળાટ અને ગરમી લોકો ત્રસ્ત થઈ ગયા હતા. પરંતુ અષાઢ મહિનાની શરૂઆત સાથે જ કચ્છ સહિત રાજ્યભરમાં વરસાદે ઇન્ટ્રી મારી છે.
કચ્છમાં મધ્યરાત્રીથી અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. ભુજ, રાપર, નખત્રાણા, અંજાર સહિત અન્ય તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. ત્યારે મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થતા અનેક વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાયો હતો. કચ્છ જિલ્લામાં સૌથી વધુ વરસાદ ભુજમાં નોંધાયો છે.
ભુજમાં રાત્રી દરમિયાન ૩ ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જ્યારે મુન્દ્રામાં ૨ ઈંચ તો ભચાઉ અને માંડવીમાં દોઢ ઈંચ વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત ગાંધીધામમાં ૧ ઈંચ અને અંજાર, નખત્રાણા, રાપર અને લખપતમાં ૧ ઈંચ કરતા ઓછો વરસાદ નોંધાયો છે.