કચ્છી વેપારીઓ ગામડે પરત ફરી ખેતી દ્વારા કમાણી કરે છે
લાખો વેપારીઓ ગામડે પરત ફર્યા-ભારતમાં ડંકો વગાડ્યા પછી કચ્છી માડુઓ ફરી વતનભણી મીટ માંડી રહ્યા છે, કચ્છમાં ખેતી કરી સોનું ઉગાવી રહ્યા છે
રાજકોટ, આશરે ૭ દાયકા પહેલા ૬૩ વર્ષના ગોવિંદ વિકમાણીના પિતા કામધંધાની શોધમાં મુંબઈ આવ્યા હતા. બીજા ઘણા કચ્છીમાડુની જેમ તેમના માટે પણ મુંબઈ લક્કી શહેર સાબિત થયું. અહીં તેમનો કારોબાર વિકસ્યો અને ગોવિંદ વિકમાણીનો જન્મ પણ મુંબઈમાં જ થયો. ગોવિંદ વિકમાણી મોટા થયા પછી કંસ્ટ્રક્શન બિઝનેસમાં આગળ વધ્યા જ્યારે તેમના પરિવારનો બિઝનેસ કોમોડિટિના એક્સપોર્ટમાં ધમધોકાર ચાલી રહ્યો હતો.
પરિવારે બસ ખાલી પોતાની સંપત્તિ વધારવાના આશય સાથે પોતાના મૂળ વતન કચ્છના નખત્રાણા તાલુકાના કોટડા રોહા ગામમાં આશરે ૨૧ એકર જમીન ખરીદી હતી. કોરોના સમયમાં જ્યારે તમનો પારિવારિક બિઝનેસ સંકટમાં મૂકાયો ત્યારે આ બિઝનેસ ફેમિલી ખેતી તરફ વળ્યું.
તેમણે ફક્ત એક સંપત્તિ તરીકે ખરીદેલી જમીનમાં ડ્રેગન ફ્રુટ્સ, ખજૂર અને ખાટા ફળો ઉગાવવાનું શરું કર્યું. વિકામણી કહે છે કે ‘કોરોનાની મહામારીએ અમારો કંસ્ટ્રક્શન અને એક્સપોર્ટના બિઝનેસ પર ગંભીર અસર પહોંચાડી. તેથી અમને થયું કે જો આ સમયમાં અમે અમારી જમીનમાં ખેતી કરીએ તો તેના દ્વારા આવકનો બીજો સ્ત્રોત ઉભો થઈ શકે છે.
‘ મુંબઈમાં તેમણે આ પ્રોડક્ટના માર્કેટિંગ અને એક્સપોર્ટ માટે પણ તૈયારીઓ કરી લીધી છે. એક સમયે જ્યારે દેશના અર્થશાસ્ત્રીઓ અર્થતંત્રનું ગુલાબી ચિત્ર રજૂ કરતા હતા ત્યારે કચ્છના વેપારીઓએ મુંબઈ અને પુણે જેવા શહેરમાં સેટલ થયા અને વેપાર આરંભ્યો, હવે તઓ ફરી એકવાર કચ્છમાં ખેતીને એક નવા બિઝનેસ તરીકે જોઈ રહ્યા છે.
તેમજ જેમ પુનામાં રહેતા અને સિવિલ એન્જિનયર તેમજ કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે જોડાયેલા બિઝનેસમેન ધર્મેન્દ્ર અગારાએ કહ્યું કે ‘જ્યારે મે કંસ્ટ્રક્શન બિઝનેસ શરું કર્યો ત્યારે અને પછી જ્યારે ફ્લેટ ગ્રાહકોને વેચવાના શરું કર્યા ત્યારે મારે ઓછામાં ઓછા ૩૫ જેટલા એનઓસી સર્ટિફિકેટ જુદા જુદા ડિપાર્ટમેન્ટમાંથી લેવા પડ્યા હતા. પરંતુ એગ્રો બિઝનેસમાં સરકાર અનેક ફાયદા આપી રહી છે. બીયારણ ખરીદવાથી લઈને એગ્રિકલ્ચર પ્રોડક્ટ વેચવા સુધી અને કોઈ નવી પ્રોડક્ટ સાથે પ્રયોગ કરવામાં દરેક તબક્કે સરકાર મદદરુપ થાય છે.
અગારાએ ૧૫ વર્ષ સુધી દ. આફ્રિકામાં પણ કામ કર્યું છે ત્યારબાદ તેમણે પુણેમાં પોતાનો કંસ્ટ્રક્શન બિઝનેસ શરું કર્યો હતો. તેમણે પોતના મૂળ વતન કચ્ચના અબડાસા તાલુકામાં ચિયાસર ગામે ૧૦૦ એકર જમીન ખરીદી છે અને ખેતી શરું કરી છે.