કચ્છ જિલ્લાના યુવાઓને ઘરઆંગણે જ કોલેજની સુવિધા રહેશે
ગાંધીનગર, મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કચ્છ જિલ્લાના સરહદી ક્ષેત્ર નખત્રાણા તાલુકાની એક માત્ર આર્ટસ-કોમર્સ કોલેજને ગ્રાન્ટ ઇન એઇડ કોલેજ તરીકેની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. કચ્છ વિદ્યા પ્રતિષ્ઠાન સંચાલિત નખત્રાણાની આ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વર્ષ ર૦૦૧થી જીએમડીસી દ્વારા ચાલી રહી છે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી સમક્ષ આ વિસ્તારના તત્કાલિન જનપ્રતિનિધિ પ્રદ્યુમનસિંહ જાડેજાએ યુવા છાત્રોના હિતમાં રજૂઆત કરી હતી કે, આ કોલેજનું સંચાલન રાજ્ય સરકાર ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થા તરીકે કરે તો નખત્રાણા અને આસપાસના ગામોના યુવા છાત્રોને કોલેજ કાર્યરત રહેવાથી ઘરઆંગણે જ અભ્યાસની સુવિધા મળી રહે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ રજૂઆતનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતાં જીએમડીસી નખત્રાણા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજને ગ્રાન્ટ ઇન એઇડ સંસ્થા તરીકે રાજ્ય સરકારની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. નખત્રાણાના વિદ્યાર્થીઓના વ્યાપક હિતમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ કોલેજને ગ્રાન્ટ ઇન એઇડ તરીકે કાર્યરત રાખવાની મંજૂરી આપતાં હવે સ્થાનિક વિદ્યાર્થીઓને સરળતાએ કોલેજ અભ્યાસ નજીકના સ્થળે યથાવત ઉપલબ્ધ થશે અને ભૂજ જવું નહિ પડે. SSS