કચ્છ યુનિવર્સિટીનો ૧૧મો પદવીદાન સમારોહ યોજાયો
વિદ્યાર્થીઓ પોતાના કાર્યક્ષેત્રમાં નવા કીર્તિમાન સ્થાપિત કરીને રાષ્ટ્ર અને સમાજ પ્રત્યે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવે – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી
શિક્ષણની સાથે સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓથી જ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે. – વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્ય
રાજ્યપાલશ્રી આચાર્ચ દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં કચ્છ યુનિવર્સિટીનો ૧૧મો પદવીદાન સમારોહ સંપન્ન
શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરે વર્ચ્યુઅલી ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રેરણા પુરી પાડી
કચ્છમાં શિક્ષણના ઉત્કર્ષ માટે અમે કટિબદ્ધ છીએ – કચ્છ યુનિવર્સિટી કુલપતિશ્રી પ્રો.ડૉ. જયરાજસિંહ જાડેજા
કચ્છ યુનિવર્સિટીના ૬૨૯૬ વિદ્યાર્થીઓને મહાનુભાવોની ઉપસ્થિતિમાં પદવી એનાયત કરાઈ
ક્રાંતિગુરૂ શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટીનો ૧૧મો પદવીદાન સમારોહ માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં સંપન્ન થયો હતો. આ કાર્યક્રમ વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્યની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો.
જ્યારે રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી શ્રી કુબેરભાઈ ડીંડોરે વર્ચ્યુઅલી હાજર રહીને વિદ્યાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી. ૧૧મા પદવીદાન સમારોહ અંતર્ગત કચ્છ યુનિવર્સિટીના વિવિધ શાખાના ૬૨૯૬ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. કચ્છ યુનિવર્સિટીના ૧૧મા પદવીદાન સમારોહને ખુલ્લો મૂકીને માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, આપણા બધા માટેm ગૌરવની વાત છે કે કચ્છ યુનિવર્સિટીનું નામ શ્યામજી કૃષ્ણવર્મા સાથે જોડવામાં આવ્યું છે. ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણવર્માનું જીવન પ્રેરણા સ્ત્રોત સમાન છે.
દેશની આઝાદીમાં તેઓએ મહત્વનું યોગદાન આપ્યું છે. આ તકે રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને અને ઉપસ્થિત રહેલા તમામ નાગરિકોને શ્યામજી કૃષ્ણવર્માનું જીવનચરિત્ર વાંચવા અનુરોધ કર્યો હતો. ૧૧મા પદવીદાન સમારોહમાં વિદ્યાર્થિનીઓએ વિદ્યાર્થીઓ કરતા વધુ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા હોવાનું ધ્યાન દોરીને રાજ્યપાલશ્રીએ કહ્યું કે
પ્રધાનમંત્રીશ્રીએ મહિલાઓના વિકાસ માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે. જેના લીધે મહિલાઓનો વિકાસ થઈ રહ્યો છે. મહિલાઓ મહેનત અને પરિશ્રમ કરીને દરેક ક્ષેત્રમાં આગળ વધી રહી છે ત્યારે આપણે સૌએ તેમનાથી પ્રેરણા લેવી જોઈએ. તેમણે બેટી બચાઓ, બેટી પઢાઓ અભિયાન માટે સૌને પ્રેરિત કર્યા હતા.
રાજ્યપાલશ્રીએ કચ્છ યુનિવર્સિટીની સમગ્ર ટીમને અભિનંદન આપીને કહ્યું કે આવનારી પેઢીના ઘડતરની સાથે યુનિવર્સિટી સામાજિક જવાબદારીઓ પણ નિભાવી રહી છે. આ પ્રસંગે તેઓએ પ્રાકૃતિક ખેતી પર વિશેષ ભાર મૂકીને ઉપસ્થિત તમામને પ્રાકૃતિક ખેતીને પ્રાધાન્ય આપવા અનુરોધ કર્યો હતો.
પદવીદાન સમારોહમાં તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવતા રાજ્યપાલશ્રીએ કહ્યું કે, વિદ્યાર્થીઓએ પોતાના કાર્યક્ષેત્રમાં નવા કીર્તિમાન સ્થાપિત કરીને રાષ્ટ્ર અને સમાજ પ્રત્યે પોતાનું ઉત્તરદાયિત્વ નિભાવવું જોઈએ. ભારતીય સંસ્કૃતિને અને જીવનમૂલ્યોને જીવનનો આધાર બનાવવો જોઈએ.
રાજ્યપાલશ્રીએ વિદ્યાર્થીઓને પોતાના જન્મદિવસે તેમજ પરિવારના સભ્યોની લગ્નતિથીએ એક વૃક્ષ વાવી તેનો ઉછેર કરવો જોઈએ તેવો આગ્રહ પણ કર્યો હતો. તેઓએ વિદ્યાર્થીઓને જીવનમાં ખૂબ ખૂબ પ્રગતિ કરીને સફળતાના શિખરો સર કરો એવી શુભેચ્છાઓ પાઠવી હતી.
રાજ્યપાલશ્રીએ અમૃત મહોત્સવ પર યુવા સંકલ્પ શ્રેષ્ઠ ભારતના પાંચ પ્રકલ્પ અભિયાન અંતર્ગત કોરોના રસીકરણ, પર્યાવરણ, સ્વચ્છતા, જળ સંરક્ષણ અને સંચય, પ્રાકૃતિક કૃષિ, નશાબંધી તેમજ કુરિવાજ નિવારણ તેમજ ફીટ ઈન્ડિયા જેવા પાંચ પ્રકલ્પો દ્વારા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ ગામમાં જઈને લોકજાગૃતિ દ્વારા નવજાગરણનું કાર્ય કર્યું છે એમ પણ જણાવ્યું હતું.
આ પ્રસંગે વિધાનસભા અધ્યક્ષશ્રી ડૉ.નીમાબેન આચાર્યે પ્રાસંગિક ઉદ્ધોબન કરીને જણાવ્યું હતું કે, આજે આ પદવીદાન સમારોહમાં ૬૦૦૦થી વધુ વિદ્યાર્થીઓને પદવી એનાયત થવા જઈ રહી છે તે વાતનો મને આનંદ છે. જીવનમાં ખૂબ પ્રગતિ કરીને વિદ્યાર્થીઓ પોતાના ધ્યેયને સાકાર એમ કહીને તેઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.
યુનિવર્સિટીમાં શિક્ષણની સાથે સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિઓ ખૂબ જ જરૂરી છે. તેના લીધે જ વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય છે. અધ્યક્ષશ્રીએ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીને યાદ કરીને કહ્યું હતું કે, વડાપ્રધાનશ્રીના પ્રયાસોના લીધે કચ્છ આજે અનેક વિપદાઓમાંથી બેઠું થયું છે. ટૂરિઝમ હબ બની જવાના લીધે દેશ-વિદેશમાંથી લોકો કચ્છમાં ફરવા આવે છે. તેઓએ વિદ્યાર્થીઓને સૂચન કરીને કહ્યું કે, જીવનમાં નિષ્ઠાપૂર્વક અભ્યાસ કરીને ઉજ્જવળ કારકિર્દી બનાવવી જોઈએ.
શિક્ષણ રાજ્ય મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોરે આ પ્રસંગે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં પરિશ્રમ કરીને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવીને આગળ વધે. પદવીદાનમાં ઉપસ્થિત રહેલા તમામ વિદ્યાર્થીઓને ભારતના ભાગ્યવિદ્યાતા ગણાવીને મંત્રીશ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.
તેઓએ જણાવ્યું કે ૨૧મી સદી પ્રગતિની છે. દેશમાં વિકાસ થઈ રહ્યો છે ત્યારે કચ્છ પણ વિકાસક્ષેત્રે અગ્રેસર છે. આ અદ્યતન ટેક્નોલોજીનો યુગ છે ત્યારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ મહત્વની જવાબદારી નિભાવવાની છે. આપણા દેશનું યુવાધન દુનિયા માટે આદર્શ ઉદાહરણ બને અને આજે વિદ્યાર્થીઓ વિવિધ તાલીમ મેળવી, કૌશલ્ય સાથે સ્વાવલંબી બને તે જરૂરી છે. નવી શિક્ષણનીતિનો ઉલ્લેખ કરીને મંત્રીશ્રીએ તેના વિશે ખ્યાલ આપ્યો હતો. વિકાસકાર્યોની સાથે રાજ્યની યુનિવર્સિટીઓમાં માળખાકીય સુવિધાઓ વધે તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે.
આ પદવીદાન સમારોહમાં સ્વાગત પ્રવચન કરતા કચ્છ યુનિવર્સિટીના કુલપતિ શ્રી પ્રો.ડૉ. જયરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કોરોના જેવા કપરા સમયમાં પણ યુનિવર્સિટીમાં સંશોધનકાર્ય અટક્યું નથી. કચ્છ યુનિવર્સિટીએ શિક્ષણની સાથે સામાજિક જવાબદારી નિભાવીને અનેકક્ષેત્રોમાં સેવાકીય કાર્યોમાં સહભાગીદારી નોંધાવી છે.
૧ લાખથી વધારે વૃક્ષો વાવવાનું કાર્ય હોય કે પછી પ્રાકૃતિક ખેતીની તાલીમ મેળવવાનું કાર્ય હોય કચ્છ યુનિવર્સિટી અગ્રેસર રહી છે. તેઓએ ઉમેર્યું કે યુનિવર્સિટીએ વિવિધ ૫૦ આંતરરાષ્ટ્રીય-રાષ્ટ્રીય સંસ્થાઓ સાથે એમઓયુ કર્યાં છે. નવી શિક્ષણનીતિને યુનિવર્સિટી પ્રાથમિકતા આપી રહી છે
અને તેને લઈને ૧૫થી વધારે કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું છે. કુલપતિશ્રીએ કહ્યું કે, કચ્છમાં શિક્ષણના ઉત્કર્ષ માટે અમે કટિબદ્ધ છીએ. આ તકે સરકાર દ્વારા યુનિવર્સિટીને આપવામાં આવેલી આર્થિક સહાય અને માળખાકીય સુવિધાઓ વિશે પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
કચ્છ યુનિવર્સિટીના ૧૧મા પદવીદાન સમારોહમાં કુલ ૬૨૯૬ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. જેમાં આર્ટસ ફેકલ્ટીના ૧૯૯૬, સાયન્સ ફેકલ્ટીના ૭૭૪, લૉ ફેકલ્ટીના ૩૭૧, એજ્યુકેશન ફેકલ્ટીના ૩૪૨, કોમર્સ ફેકલ્ટીના ૨૫૩૬, મેડીસિન ફેકલ્ટીના ૨૫૨,
ડોક્ટર ઓફ ફિલોસોફીના ૧૦ અને માસ્ટર ઓફ ફિલોસોફીના ૧૫ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. વિવિધ ફેકલ્ટીના ૧૮ વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પણ એનાયત કરવામાં આવ્યા હતા. કચ્છ યુનિવર્સિટીના પરીક્ષા નિયામક ડૉ. તેજલ શેઠ દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.
આ પ્રસંગે ગાંધીધામ ધારાસભ્ય શ્રી માલતીબેન મહેશ્વરી, કચ્છ યુનવર્સિટીના કુલસચિવ શ્રી જી.એમ.બુટાણી, હેમચંદ્રાચાર્ય નોર્થ ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. જે.જે.વોરા, બિરસા મુંડા ટ્રાઈબલ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. એમ.એસ.પડવી,
મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. એમ.એમ.ત્રિવેદી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ.ગીરીશ ભીમાણી, શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર ડૉ. લલિતકુમાર પટેલ સહિત એજ્યુકેશન કાઉન્સિલના સભ્યો, વિવિધ વિદ્યાશાખાના અધ્યક્ષશ્રીઓ અને પ્રોફેસરશ્રીઓની સાથે વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી.