કઝાકિસ્તાન: હિંસા અને પ્રદર્શન દરમિયાન ૩ બાળકો સહિત ૧૬૪નાં મોત: ૭૯૩૯ની અટકાયત
નવીદિલ્હી, કઝાકિસ્તાનના અધિકારીઓએ જણાવ્યું હતું કે ગયા અઠવાડિયે દેશવ્યાપી હિંસા પ્રદર્શન દરમિયાન પોલીસે લગભગ ૭,૯૩૯ લોકોની અટકાયત કરી હતી,જયારે દેશના ગૃહ મંત્રાલયે કહ્યું કે દેશભરમાં સ્થિતિ હવે સ્થિર અને નિયંત્રણમાં છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે સોમવાર અશાંતિનો ભોગ બનેલા ડઝનેક લોકો માટે શોકનો દિવસ હતો. આ અશાંતિમાં ત્રણ બાળકો સહિત ૧૬૪ લોકોના મોત થયા હતા.
ભૂતપૂર્વ સોવિયત સંઘમાંથી આઝાદી મેળવ્યા પછી ૩૦ વર્ષમાં પ્રથમ વખત દેશે તેના સૌથી ખરાબ સમયગાળાનો સામનો કર્યો છે. કઝાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિ, ગુપ્તચર અને આતંકવાદ વિરોધી એજન્સીએ જણાવ્યું હતું કે ઈંધણના ભાવ લગભગ બમણા થવાને લઈને ૨ જાન્યુઆરીએ શરૂ થયેલો અસંતોષ ટૂંક સમયમાં જ સમગ્ર દેશમાં ફેલાઈ ગયો અને પરિસ્થિતિ વધુ વણસી ગઈ, પરંતુ હવે બધું નિયંત્રણમાં છે.
ભારતે કહ્યું કે અમે કઝાકિસ્તાનમાં ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છીએ અને ઇચ્છીએ છીએ કે અહીં પરિસ્થિતિ જલ્દી સ્થિર થાય. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે કઝાકિસ્તાનમાં હાજર ભારતીય નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અધિકારીઓ સાથે સંકલન કરવામાં આવી રહ્યું છે. હિંસામાં જીવ ગુમાવનારા નિર્દોષ લોકોના પરિવારો પ્રત્યે અમે સંવેદના વ્યક્ત કરીએ છીએ.HS