Western Times News

Gujarati News

કડકડતી ઠંડી વચ્ચે પણ DPS ના માસુમ વિદ્યાર્થીઓના ધરણાં

વહેલી સવારથી જ વિદ્યાર્થીઓએ બેનરો સાથે ઉગ્ર દેખાવો કરતા
અધિકારીઓ દોડી ગયા : સીબીએસસીના અધિકારીઓ પણ ગાંધીનગર પહોંચ્યા

 

 

(પ્રતિનિધિ) અમદાવાદ: અમદાવાદ શહેરના હાથીજણ વિસ્તારમાં આવેલી વિવાદાસ્પદ ડીપીએસ સ્કુલની ધો.૧ થી ૮ ની માન્યતા કોઈપણ જાતના વૈકÂલ્પક વ્યવસ્થા વગર જ રદ કરી દેવાના સીબીએસસીના નિર્ણયથી ભારે રોષ ફેલાયો છે અને ગઈકાલે કાંતિલ ઠંડી અને સુસવાટા ભર્યાં પવન વચ્ચે માસુમ વિદ્યાર્થીઓ તથા તેના વાલીઓએ શાળાની બહાર રાતભર ધરણા કરતા રાજયનું શિક્ષણ વિભાગ વધુ સતર્ક બન્યું છે. બીજીબાજુ ભારે ઉહાપોહ મચતા સીબીએસસીના અધિકારીઓ આજે સવારે ગુજરાત આવી પહોંચ્યા છે અને સૌ પ્રથમ તેઓ સીધા જ ગાંધીનગર જવા રવાના થયા છે જયાં શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ વાલીઓ તથા શાળા સંચાલકોને મળી યોગ્ય નિર્ણય લેશે તેવું જાણવા મળી રહયું છે.

આ અંગેની વિગત એવી છે કે વિવાદાસ્પદ નિત્યાનંદ આશ્રમને ગેરકાયદેસર રીતે જમીન ભાડે આપનાર ડીપીએસ સ્કુલના સંચાલકો વિવાદમાં સપડાયા હતા આ ઉપરાંત શાળાની માન્યતા લેવા માટે પણ બોગસ દસ્તાવેજા બનાવવામાં આવ્યા હોવાનું બહાર આવતા જ સીબીએસસી બોર્ડના અધિકારીઓ કોઈપણ જાતના પૂર્વ આયોજન તથા વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં લીધા વગર તાત્કાલિક અસરથી શાળાની માન્યતા રદ્દ કરી દેતા ધો.૧ થી ૮માં ભણતા ૮૦૦થી વધુ વિદ્યાર્થીઓનું ભાવિ ધુંધળુ બની ગયું છે. સીબીએસસીના અધિકારીઓએ કોઈપણ જાતની વૈકલ્પિક  વ્યવસ્થા આપ્યા વગર જ આ નિર્ણય લઈ લેતા ભારે રોષ ફેલાયો છે. શાળા સંચાલકો સામે કાર્યવાહી કરવાના બદલે વિદ્યાર્થીઓને દંડવામાં આવ્યા હોય તેવી પરિસ્થિતિ  પેદા થઈ છે


જેના પરિણામે ગઈકાલે વિદ્યાર્થીઓ શાળાએ પહોંચ્યા ત્યારે શાળાને તાળા મારી દેવામાં આવ્યા હતાં. ગઈકાલથી જ વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળાની બહાર એકત્ર થઈ ગયા હતાં આ દરમિયાનમાં વાલીઓ દ્વારા ઉગ્ર દેખાવો કરાયા બાદ વિદ્યાર્થીઓ પણ ખુબ જ ચિંતિત બન્યા હતાં પોતાની શાળા બંધ થઈ જવાના કારણે ચિંતિત બનેલા વિદ્યાર્થીઓ શાળાના ઝાંપા પાસેથી હટવાનું નામ લેતા ન હતાં આ દરમિયાનમાં વાલીઓ પણ શાળાની બહાર મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા ગઈકાલે ભારે સમજાવટ બાદ યોગ્ય નિર્ણય લેવાની સરકારે ખાતરી આપી હતી પરંતુ ખૂબ જ ચિંતિત બનેલા વિદ્યાર્થીઓ શાળાના ઝાંપે જ બેસી ગયા હતાં.
અમદાવાદમાં ગઈકાલે સુસવાટા મારતા પવનના કારણે તાપમાનનો પારો ગગડયો હતો અને કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગઈ હતી આ ઠંડા પવન વચ્ચે પણ વિદ્યાર્થીઓ શાળાના ઝાંપા પાસે જ બેસી રહયા હતાં

સમજાવટ છતાં વિદ્યાર્થીઓ શાળાના ઝાંપેથી નહી હટતા આખરે વાલીઓ પણ વિદ્યાર્થીઓની સાથે શાળાના ઝાંપાની બહાર જ બેસી ગયા હતાં વિદ્યાર્થીઓએ ગઈકાલે સવારથી જ ધરણાનો કાર્યક્રમ શરૂ કરી દીધો હતો અને રાત્રે કાંતિલ ઠંડી વચ્ચે પણ શાળાના ઝાંપાની બહાર જ બેસી ગયા હતાં આ દરમિયાનમાં ત્યાં મંડપ પણ બનાવી દેવામાં આવ્યો હતો મંડપની નીચે વિદ્યાર્થીઓ બેટી બચાવો બેટી પઢાવો, અમારી શાળાને બચાવો સહિતના બેનરો સાથે દેખાવો કરી રહયા છે.
રાતભર વિદ્યાર્થીઓએ કડકડતી ઠંડીમાં ધરણા કરતા તેના ઘેરા પ્રત્યાઘાત પડયા છે રાજય સરકારના શિક્ષણ વિભાગના અધિકારીઓ પણ વિદ્યાર્થીઓના ધરણાથી ચોંકી ઉઠયા છે.

સાથે સાથે આ અંગે સતત સીબીએસસીને જાણ કરવામાં આવી હતી ભારે ઉહાપોહના પગલે ગઈકાલે જ સીબીએસસીના અધિકારીઓ અમદાવાદ આવવાનો નિર્ણય લીધો હતો અને તે મુજબ આજે સવારે અધિકારીઓ અમદાવાદ હવાઈ મથકે આવી પહોંચ્યા બાદ સીધા જ ગાંધીનગર જવા રવાના થયા છે. ગાંધીનગરમાં તેઓ શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કરશે અને ત્યારબાદ તેઓ વાલીઓને મળવાના છે. સાથે સાથે શાળા સંચાલકો સાથે પણ મીટીંગ કરવાના છે. સીબીએસસીના અધિકારીઓ હવે પોતે કરેલી ઉતાવળથી વિદ્યાર્થીઓનું ભાવિ જાખમાતા આગામી નિર્ણયો ખૂબ જ ચર્ચા વિચારણાના અંતે લેશે તેવું મનાઈ રહયું છે.

વિદ્યાર્થીઓએ કડકડતી ઠંડી વચ્ચે રાતભર ધરણા કર્યાં બાદ આજે સવારથી જ ફરી એક વખત ઉગ્ર દેખાવો કરવાનું શરૂ કરતા જ આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા છે વિદ્યાર્થીઓની માંગણી છે કે અમારે વિદેશી સ્કુલમાં કે કોઈ મોંઘીદાટ સ્કુલમાં ભણવું નથી અમારે માત્ર ડીપીએસ સ્કૂલમાં જ ભણવું છે તેથી તાત્કાલિક આ કેમ્પસ શરૂ કરી તેમાં ધો.૧ થી ૮ ના કલાસો ફરી શરૂ કરવામાં આવે. વિદ્યાર્થીઓની માંગણી છે કે શાળા સંચાલકોએ જે કોઈ કૌભાંડ કર્યું છે તેની સજા તેમને મળવી જાઈએ પરંતુ કેમ્પસ બંધ કરવાના બદલે અન્ય કોઈ સંસ્થાને આ સ્કુલની જવાબદારી સોંપી શિક્ષણ કાર્ય ચાલુ રાખવાની માંગણી કરી છે. આજે સવારથી જ શાળાની બહાર વાતાવરણ ઉગ્ર બની જતાં પોલીસ અધિકારીઓ પણ પહોંચી ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.