કડી : ખોટા દસ્તાવેજ બનાવી જમીનનું રૂ.૧૬ લાખમાં બારોબારિયું
કડી: કડી તાલુકાના લુણાસણ ગામે વડીલોપાર્જીત મજિયારી રૂ.૧૬ લાખની જમીનનું બારોબારિયું કરવા મામલે ભત્રીજાએ સગા કાકા, સાક્ષી આપનાર તેમજ મહેસાણાના વકીલ સામે કડી પોલીસ મથકે ઠગાઇ, વિશ્વાસઘાત અને કાવતરું રચવા સહિતની ફરિયાદ નોંધાવી છે.
લુણાસણ ગામના ઠાકોર રાજેશજી ગાભાજીના પિતા ગાભાજી કાળાજીની તેમના ભાઇઓ, બહેનો તેમજ માતાના નામની વડીલોપાર્જીત મજિયારી ૩૫ વીઘા જમીન ગામની સીમમાં આવેલી છે.
આ જમીન રાજેશ ઠાકોરના કાકા ભગાજી કાળાજીએ પૂર્વ આયોજિત કાવતરું રચી ગાભાજી સહિતની ખોટી સહીઓ કરી તેમના ફોટા લગાવી ખોટી પાવર ઓફ એટર્ની ઉભી કરી બનાખત બનાવ્યું હતું અને તેના આધારે ખાતા નંબર ૧૫૪માં આવેલા સર્વે નંબરવાળી જમીન કોઇ અજાણ્યા શખ્સને રૂ. ૧૬ લાખમાં બનાખત કરી આપ્યો હતો.
જે અંગેની જાણ થતાં રાજેશ ઠાકોરે કડી પોલીસ મથકમાં અરજી આપી હતી. જેની તપાસમાં ગુનો બનતો હોઇ રવિવારે ફરિયાદ નોંધવામાં આવી હતી. જેમાં ઠાકોર ભગાજી કાળાજી, સાક્ષી આપનાર ઠાકોર પ્રહલાદજી બાદરજી તેમજ મહેસાણાના વકીલ અજીત જે. શાસ્ત્રી વિરુદ્ધ ઠગાઇ, વિશ્વાસઘાતનો ગુનો નોંધી કડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.