Western Times News

Gujarati News

કડી સર્વ વિશ્વવિદ્યાલયની ૫૫મી સર્વ નેતૃત્વ તાલીમ શિબિરમાં પુંસરી ગામના પૂર્વ સરપંચ હિમાંશુભાઈનું વ્યાખ્યાન યોજાયું

સ્માર્ટ વિલેજ ના બને તો કાઈ નહિ પરંતુ મહાત્મા ગાંધીજીના ગ્રામ સ્વરાજ્યની કલ્પનાનું અને શ્રી કૃષ્ણનું ગોકળીયું ગામ તો જરૂર બનવું જોઈએ”

આ શબ્દો છે ગુજરાતનાના પ્રથમ આદર્શ ગામ “પુંસરી” ના પૂર્વ યુવા સરપંચ શ્રી હિમાંશભાઈ પટેલના કે જેઓ કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા આયોજિત ૫૫મા સર્વ નેતૃત્વ કાર્યક્રમમાં વિધાર્થીઓને જીવનના દરેક પડાવ પર કેવી રીતે નેતૃત્વ કરી શકાય અને રાષ્ટ્રનિર્માણમા કેવી રીતે યોગદાન આપી શકે તેનું માર્ગદર્શન આપવા ઉપસ્થિત રહ્યા હતા.  

વધુમાં વાત કરતા તેમણે જણાવ્યું હતું કે વિચારોનું બીજ સૌથી મજબૂત હોય છે. કોઈ પણ સારા કામની શરૂઆત એક સારા વિચાર થતી હોય જેને પેહલા સ્વીકાર કરવામાં આવતો નથી પરંતુ સતત તેના ઉપર ચિંતન કરી પૂરી નિષ્ઠાથી મેહનત કરવામાં આવે ત્યારે ચોક્કસ પરિણામ મળતું હોય છે. જે કરો તે શ્રેષ્ઠ કરો. ટેકનોલોજી સાથે ભગવદ્ ગીતાને જોડી આગળ વધવા હાકલ કરી હતી. સાચું ભારત ગામમાં વસે છે, જો ભારતનો વિકાસ કરવો હોય તો ગામડાઓનો વિકાસ કરવો પડશે.

પોતાના અનુભવો ની વાત કરતા તેમણે જણાવ્યું કે  પુંસરી ગામના સરપંચ તરીકેના તેમના 10 વર્ષના કાર્યકાળ દરમિયાન, તેમનાં સમર્પિત પ્રયત્નોથી ગામને એક મોડેલ ગામમાં પરિવર્તિત કર્યું. જેના પરિણામે, પુંસરીમાં અવિરત પાણી ,વીજ પુરવઠો, યોગ્ય ડ્રેનેજ સિસ્ટમ અને સ્ટ્રીટ લાઇટ છે. આખું ગામ WIFI થી સજ્જ છે. ગામમાં વિવિધ પોઇન્ટ્સ પર સ્થિત સીસીટીવી કેમેરાની મદદથી સુરક્ષિત છે અને ગામની આસપાસ 140 જેટલા લાઉડ સ્પીકરો લગાવવામાં આવ્યા છે. પુંસરી ને તેનો પોતાનો જળ શુદ્ધિકરણ પ્લાન્ટ, નવીનીકરણીય ઉર્જા પ્લાન્ટ અને પરિવહન સેવાઓ મળી છે.

આશરે ૬૦૦૦ વસ્તીવાળા ગામમાં એરકન્ડીશન શાળાઓ, આરોગ્યસંભાળ કેન્દ્ર, બેંકિંગ સુવિધાઓ અને બીજી ઘણી સુવિધાઓ મળી છે. ગુજરાત સરકાર દ્વારા પુંસરી ને 2010 માં રાજ્યનું પ્રથમ મોડેલ વિલેજ તરીકે જાહેર કરાયું હતું. ૨૦૧૨ માં, ભારત સરકાર દ્વારા પુંસરીને શ્રેષ્ઠ ગૌરવ ગ્રામ સભા તરીકેનો એવોર્ડ મળ્યો. વર્ષ ૨૦૧૪માં ભારત સરકાર દ્વારા પુંસરી ને દેશનું પ્રથમ આદર્શ ગામ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. ૩૭ થી વધુ વિવિધ એવોર્ડની સિદ્ધિથી હિમાંશુ પટેલ માત્ર રાજ્ય કક્ષાએ જ નહીં પણ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પુંસરીને લોકપ્રિય મોડેલ વિલેજ તરીકે બદલવામાં સફળ રહ્યા છે. હિમાંશુ પટેલનાં સામાજિક ક્ષેત્રે યોગદાન બદલ ભારતના મહામહિમ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદજીના હસ્તે એવોર્ડ પ્રાપ્તિ અને કોન બનેગા કરોડપતિ નાં પ્લેટફોર્મ ઉપર જેઓની નોધ લેવાઈ છે

તેવા અનોખા વ્યક્તિ હિમાંશુભાઈ પટેલ ઉપસ્થિત રહી વિધાર્થીઓને પ્રેરણા પૂરી પાડી હતી. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ વતી મંત્રી શ્રી સંજયભાઈ પટેલ, પરાગભાઈ પટેલ, પંકજભાઈ પટેલ અને સર્વ નેતૃત્વના ઇન્ચાર્જ ડો. ધર્મેન્દ્ર પટેલ દ્વારા સ્વાગત કરાયું હતું અને સંસ્થાની મુલાકાત કરાવાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.