Western Times News

Gujarati News

કતલખાના બંધ રાખવા ઉપરાંત માંસના વેચાણ ઉપર પ્રતિબંધ અંગેનું જાહેરનામુ પ્રસિધ્ધ

રાજપીપલા, હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસ COVID-19 ને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ છે. આ સંબંધમાં કેન્દ્ર સરકાર તથા રાજ્ય સરકાર દ્વારા કેટલીક સૂચનાઓ તેમજ માર્ગદર્શિકાઓ બહાર પાડવામાં આવેલ છે. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના તા.૧૩/૦૩/૨૦૨૦ ના જાહેરનામાથી THE GUJARAT EPIDEMIC DISEASES COVID-19 REGULATIONS, 2020 જાહેર કરેલ છે.

સદરહુ નોટીફીકેશનની જોગવાઈ અનુસાર નર્મદા જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કેટલાક નિયંત્રણો મુકવાની  જરૂરીયાતને લક્ષમાં લઇને નર્મદા જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એચ.કે.વ્યાસે ફોજદારી કાર્યરીતિ અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ તેમને મળેલી સત્તાની રૂએ કેટલાંક નિયંત્રણોના અમલ માટે જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે.

તદ્દઅનુસાર જો કોઈ નાગરિક જાહેર થયેલ કોરોના વાયરસ પોઝીટીવ વિસ્તાર/દેશમાંથી આવ્યો હશે તો તેમણે નજીકની સરકારી હોસ્પીટલ અથવા જિલ્લાના કંટ્રોલ રૂમ અથવા હેલ્પ લાઈન નં.૧૦૪ પર આ અંગે ફરજીયાત જાણ કરવાની તથા જરૂરી તમામ માહિતી આપવાની રહેશે. જિલ્લા વહીવટી તંત્રની સૂચના અનુસાર Home Quarantine/ Isolation ના પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.

જો તેમ કરવામાં નહી આવે તો તેઓને ફરજીયાતપણે નર્મદા જિલ્લાના quarantine વોર્ડમાં ખસેડી Epidemic Diseases Act-1897 ની જોગવાઈ મુજબ દંડનીય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. તદ્દઉપરાંત  સમગ્ર નર્મદા જિલ્લાના વિસ્તારમાં કતલખાના તાત્કાલિક અસરથી બંધ કરવા તેમજ માંસના વેચાણ પર પ્રતિબંધ ફરમાવ્યો  છે.આ હુકમની અમલવારી તા. ૨૩ /૦૩/૨૦૨૦ ના ક.૦૦:૦૦ થી તા.૩૧/૦૩/૨૦૨૦ ના ક.૨૪:૦૦ સુધી કરવાની રહેશે

આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ વિરુધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે. નર્મદા જિલ્લામાં ફરજ બજાવતા નાયબ પોલીસ અધિક્ષકશ્રીથી પોલીસ સબ ઈન્સ્પેક્ટરશ્રી સુધીનો હોદ્દો ધરાવનાર તમામ અધિકારીશ્રીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો વિરુધ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ ફરિયાદ દાખલ કરવા માટે અધિકૃત કરવામાં આવેલ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.