કતારનો શાહી પરિવાર ટ્રમ્પને હવામાં ઉડતો મહેલ ભેટમાં આપશે!

ડોનાલ્ડ ટ્રમ્પ આવતા અઠવાડિયે મધ્ય પૂર્વના પ્રવાસ પર જશે
ટ્રમ્પ જાન્યુઆરી ૨૦૨૯માં પદ છોડે તે પહેલાં થોડા સમય સુધી એરફોર્સ વનના નવા સંસ્કરણ તરીકે વિમાનનો ઉપયોગ કરશે
વોશિંગ્ટન,રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આવતા અઠવાડિયે મધ્ય પૂર્વના પ્રવાસ પર જઈ રહ્યા છે. આ દરમિયાન તેઓ કતારના શાહી પરિવાર તરફથી ભેટ તરીકે એક લક્ઝરી બોઇંગ ૭૪૭-૮ જમ્બો જેટ સ્વીકારે તેવા અહેવાલ છે. એવા પણ અહેવાલ છે કે, ટ્રમ્પ જાન્યુઆરી ૨૦૨૯માં પદ છોડે તે પહેલાં થોડા સમય સુધી એરફોર્સ વનના નવા સંસ્કરણ તરીકે વિમાનનો ઉપયોગ કરશે.
યુએસ અધિકારીઓ આ જેટને સંભવિત રાષ્ટ્રપ્રમુખના વિમાનમાં રૂપાંતરિત કરી શકે છે. ટ્રમ્પના રાષ્ટ્રપ્રમુખ તરીકે બીજા કાર્યકાળની આ પહેલી વિસ્તૃત યાત્રા હશે. આ દરમિયાન ટ્રમ્પ સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત બાદ કતારની મુલાકાત લેશે ત્યારે આ ભેટની જાહેરાત થવાની ધારણા છે. રાષ્ટ્રપ્રમુખ દ્વારા વિદેશી સરકાર તરફથી આટલી મોટી ભેટ સ્વીકારવા અંગે પ્રશ્નો ઉભા થવાની અપેક્ષા રાખતા વહીવટી અધિકારીઓએ એક વિશ્લેષણ તૈયાર કર્યું છે, જેમાં દલીલ કરાઈ છે કે, વિદેશી સરકાર પાસેથી ભેટ લેવામાં કાયદાનો ભંગ થતો નથી. SS1