કનૌજમાં આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર અકસ્માત ૬ લોકોના મોત
લખનૌ: ઉત્તર ભારતના મોટાભાગના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે. આ બધા વચ્ચે આઘાતજનક સમાચાર આવ્યા છે. ઉત્તર પ્રદેશના કન્નૌજમાં ધુમ્મસના કારણે આગ્રા-લખનૌ એક્સપ્રેસ વે પર આજે સવારે મોટી દુર્ઘટના ઘટી. અકસ્માતમાં કારમાં બેઠલા ૬ લોકોના મોત થયા. માર્યા ગયેલા લોકો મહેંદીપુર બાલાજીના દર્શન કરવા માટે લખનઉથી રાજસ્થાન જઈ રહ્યા હતા.
પોલીસના જણાવ્યાં મુજબ અકસ્માત કન્નૌજના તાલગ્રામ વિસ્તાર પાસે અકસ્માત થયો. કહેવાય છે કે કાર પૂરપાટ સ્પીડમાં જઈ રહી હતી. એક્સપ્રેસ વે પર ગાઢ ધુમ્મસના કારણે કારના ડ્રાયવરને સામેનો વળાંક દેખાયો નહીં અને કાર હાઈવે પર બગડેલી ટ્રેકમાં ઘૂસી ગઈ. ટક્કર એટલી જબરદસ્ત હતી કે કારનો આગળનો ભાગ ખરાબ રીતે ડેમેજ થઈ ગયો હતો અને અંદર બેઠેલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
સૂચના મળતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને કટરથી કારને કાપીને ઘાયલોને બહાર કાઢવામાં આવ્યા.
ત્યારબાદ તેમને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા. જ્યાં ૬ લોકોને મૃત જાહેર કરાયા. મૃતદેહોને મેડિકલ કોલેજમાં રાખવામાં આવ્યા છે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું. તેમણે જિલ્લાના ઓફિસરોને ઘટનાસ્થળે રહીને જરૂરી કાર્યવાહી કરવાના આદેશ આપ્યા.
અત્રે જણાવવાનું કે આજે સવારથી દિલ્હી-એનસીઆરમાં ગાઢ ધુમ્મસ છવાયેલું છે. રસ્તાઓ પર સરેરાશ વિઝિબ્લિટી ૧૦૦ મીટરની બનેલી છે. અનેક વિસ્તારોમાં તો ૧૦ મીટરના અંતરે પણ કશું દેખાતું નથી. ધુમ્મસી સાથે હવામાનમાં ઠંડક પણ ખુબ પ્રસરી ગયેલી છે.