કન્ઝયુમર અને રિટેઈલર ડીઝલ પંપો વચ્ચે ભાવોમાં તફાવતથી માછીમારો મુશ્કેલીમાં
અખિલ ભારતીય ફિશરમેન એસો.ના પ્રતિનિધિ મંડળે દિલ્હીમાં મંત્રીને રૂબરૂ મળી વ્યથા વર્ણવી
વેરાવળ, કન્ઝયુમર ડીઝલ પંપ અને રીટેઈલર ડીઝલ પંપોમાં ડીઝલના ભાવોમાં મોટો તફાવત જાેવા મળી રહ્યો છે જેથી માછીમારોને મોંઘુ ડીઝલ ખરીદ કરવું પડી રહેલ હોવાથી આર્થિક માર પડી રહ્યો હોવાથી મુશ્કેલી પડી રહી છે
જે અંગે થોડા દિવસો પૂર્વે રજુઆતો કરેલ હોવા છતાં કોઈ નિરાકરણ આવેલ નથી જેથી અખિલ ભારતીય ફીશરમેન્સ એસો.ના પ્રતિનિધિ મંડળે સાંસદની આગેવાનીમાં દિલ્હી ખાતે કેન્દ્રીય ફિશરીઝ અને પેટ્રોલિયમ મંત્રીને રૂબરૂ મળી વહેલીતકે ઉકેલવા રજૂઆત કરી છે.
આ અંગે અખીલ ભારતીય ફિશરમેન્સ એશો. ગુજરાત પ્રાતના પ્રમુખ તુલસીભાઈ ગોહેલે જણાવેલ કે, હાલ કન્ઝયુમર ડીઝલ પંપ તેમજ રીટેઈલર ડીઝલ પંપોમાં ડીઝલના ભાવોમાં મોટો તફાવત સર્જાયેલ છે.
માછીમારી કરવા જવા માટે જે સહકારી મંડળીઓના પંપોમાંથી માછીમારો બ્લક ડીઝલની ખરીદી કરે છે તે મંડળીના પંપોનો સમાવેશ કન્ઝયુમર પંપોમાં કરવામાં આવેલ છે. હાલ ડીઝલના વધતા ભાવોમાં રીટઈલર પંપોના ભાવો કરતા કન્ઝયુમર પંપોમાં ડીઝલના ભાવો ર૦થી વધુ છે. જેના કારણે માછીમારોને અત્યંત ઉચા ભાવો ચુકવીને ડીઝલ ખરીદ કરવું પડી રહ્યુ છે.
જેથી જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાની આગેવાનીમાં દેશના જુદા-જુદા રાજયોના માછીમારી સંસ્થાના આગેવાનોનું પ્રતિનિધિ મંડળ ફિશરીઝ મંત્રી પરસોતમભાઈ રૂપાલા અને પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પૂરીને રૂબરૂ મળી ડીઝલના ભાવોમાં કન્ઝયુમર અને રિટેઈલર પંપોના ભાવોમાં સમાનતા અંગે રજુઆત કરી સમાનતા લાવવા માંગણી કરી હતી.