કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં કીટ વહેંચણી ને રાજકીય રંગ આપવામાં આવી રહ્યો છે : કોંગ્રેસ
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો કોરોના મહામારી સામેની લડાઈને રાજકીય રંગ આપી કોરોના વોરિયર્સનું મનોબળ તોડવાની પ્રવૃત્તિ બંધ કરવામાં આવે અને અમદાવાદ શહેરના રેડ ઝોનમાં આવેલા કન્ટેનમેન્ટ વિસ્તારોમાં કીટ વિતરણના કામમાં ભાજપના કાર્યકરોની દખલ બંધ કરે તેવી માગણી કોંગ્રેસ ઘ્વારા કરવામાં આવી છે. છે.
અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન કોંગ્રેસ પક્ષ ના નેતા દિનેશ શર્મા એ આ અંગે જણાવ્યું હતું કે શહેરના જે વિસ્તારોમાં કોરોના વાઇરસના સંક્રમણના વધુ કેસ નોંધાયા છે તે વોર્ડને રેડ ઝોનમાં મુકવામાં આવ્યા છે. કોટ વિસ્તારના જમાલપુર, શાહપુર, ખાડિયા અને દરિયાપુર વોર્ડ રેડ ઝોન એટલે કે, કન્ટેનમેન્ટ વોર્ડ જાહેર કરાયા છે.
આ સિવાય ગોમતીપુર, સરસપુર, અસારવા, મણિનગર, બહેરામપુરા અને દાણીલીમડા પણ રેડ ઝોન વોર્ડ છે. આ વોર્ડમાં બહારથી અવર જવર પ્રવેશબંધી છે. આ વોર્ડના અસરગ્રસ્ત પરિવારો માટે અમદાવાદ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા માસ્ક, દવા, સાબુ સહિતની ચિઝવસ્તુઓની કીટ બનાવી પહોંચાડવાનું કામ શરૂ કરાયું છે.
આ કીટ ટાગોર હોલ ખાતે તૈયાર કરાય છે પછી મ્યુનિ.ના કર્મચારીઓએ જરૂરિયાતવાળા પરિવારોને પહોંચાડવાની હોય છે પણ અહીં ભાજપના નેતાઓ જાણે પોતાના ખર્ચે કીટ બનાવતા હોય તેમ પોતાના કાર્યકરો અને હોદ્દેદારોના નામ અને સરનામાંના લિસ્ટ તૈયાર કરી મ્યુનિ.ના અધિકારીઓને આપી રહ્યા છે. અધિકારીઓ આ કીટ ભાજપના કાર્યકરોને લિસ્ટ પ્રમાણે આપે છે પછી આ કાર્યકરો તેમના વિસ્તારમાં કીટ વહેંચે છે. આમ પ્રશ્ન ઉઠે છે કે, કીટ ખરેખર જરૂરિયાતમંદ પરિવારો સુધી પહોંચી રહી છે કે પછી બરોબાર ચાઉં થઈ રહી છે તે પણ મોટો પ્રશ્ન છે.
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા કન્ટેનમેન્ટ વિસ્તારના અસરગ્રસ્ત પરિવાર સુધી કીટ પહોંચે તે સુનિશ્ચિત કરવાનું હોય છે પણ આ કીટ બારોબાર ભાજપના કાર્યકરો અને હોદ્દેદારોને નામ સાથે અપાઈ રહી છે એટલે આ વ્યવસ્થામાં જો ભાજપના કાર્યકરો કીટ વિતરણ કરતા હોય તો આ ભાજપ પાર્ટીની કીટ નથી તેથી આ ગેરવાજબી પ્રથા છે.
જો અસરગ્રસ્ત પરિવારો સુધી કીટ ન પહોંચે અને બરોબાર ગાયબ થઈ જાય તો તેની જવાબદારી કોની ? આ વ્યવસ્થામાં પારદર્શિતા નથી. ભાજપના રૂપિયે કીટ તૈયાર થતી હોય તે પ્રકારે વિતરણ કરાઈ રહ્યું છે જે યોગ્ય નથી. આમ મ્યુનિ.ના કર્મચારીઓના હાથે રૂબરૂ અસરગ્રસ્ત પરિવારો સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવી જોઈએ.
ઉપરાંત ભાજપના કાર્યકરોને કીટ આપી કોરોના મહામારી સામેની લડાઈમાં કોરોના વોરિયર કર્મચારીઓના મનોબળ તોડવાની પ્રવૃત્તિ બંધ કરવી જોઈએ. અમદાવાદ શહેરના રેડ ઝોનમાં આવેલા કન્ટેનમેન્ટ વિસ્તારોમાં કીટ વિતરણના કામમાં ભાજપના કાર્યકરોની દખલ બંધ કરે તેવી અમારી સ્પષ્ટ માગણી છે.
મ્યુનિસિપલ કોંગ્રેસ પક્ષ ના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષી એ જણાવ્યુ હતું કે દરિયાપુર ના જે વિસ્તારમાં વધુ કેસ નોંધાયા છે તે વિસ્તારમાં કીટ ની વહેંચણી જ થઈ નથી. અહીં તમામ કોર્પોરેટર કોંગ્રેસના હોવા છતા ભાજપના કાર્યકરોને કીટ આપવામાં આવી રહી છે જે બંધ થવું જોઇએ.જો એવું નહીં થાય નાછૂટકે અમારે આ મુદ્દે અમારે આક્રમક કાર્યક્રમ આપી મ્યુનિ. કમિશનરને આવેદન પત્ર આપવું પડશે.