કન્સટ્રક્શનના મશીનમાંથી લાખોનો દારુ જપ્ત
સુરેન્દ્રનગર: ગુજરાતમાં દારૂબંધી છે છતાંપણ બુટલેગરો નીતનવા કીમિયા અજમાવીને લોકોને દારૂ પહોંચાડી રહ્યાં છે. ત્યારે, લીંબડી અમદાવાદ હાઇવે પાસેના સૌકા ગામની સીમમાં નર્મદા કેનાલ પાસે બિલ્ડીંગના ચણતમાં કામમાં વપરાતી મિલર મશીનમાંથી ૧૨.૯૨ લાખનો વિદેશી દારૂ સાથે ૨૭ લાખનો મુદ્દમાલ જપ્ત કર્યો છે. લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી છે ત્યારે પોલીસ દ્વારા પેટ્રોલિંગની કામગીરી તેજ કરી દેવામાં આવી છે.
સ્થાનિક પોલીસને મળેલી બાતમી પ્રમાણે, તેમણે મિલર મશીનમાં ઈંગ્લીશ દારૂની ૩૩૫૭ બોટલો ઝડપી પાડી છે. ૧૨.૯૨ લાખનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ, ટ્રક સહિત ૨૭ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરાયો હતો. લીંબડીનાં પીએસઆઇ ગઢવીએ આ દારૂ અહીં કોણ લાવ્યું અને કોના માટે મંગાવાવમાં આવતો હતો તે અંગે તપાસ આદરી છે. લીંબડી પોલીસને વાત મળી હતી કે, અમદાવાદ-રાજકોટ હાઈવે નજીક સૌકા ગામની સીમમાં મોટી માત્રામાં વિદેશી દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો છે.
જેથી પોલીસની ટીમોએ દરોડા પાડ્યા હતા. જેમા નર્મદા કેનાલ નજીક બાવળની કાંટાની ઝાડીમાં સંતાડેલા મિલર મશીનનાં ટ્રકમાં ૩૩૫૭ નંગ ઈંગ્લીશ દારૂની બોટલો મળી આવી હતી. ૧૨,૯૨,૨૫૦ રૂ.નો દારૂ અને ટ્રક સહિત કુલ ૨૭,૯૨,૨૫૦ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દરોડા પાડવામાં આવ્યાં ત્યારે ટ્રક ચાલક કે બુટલેગરો ત્યાં કોઇ ન હતું. મહત્વનું છે કે, સુરેન્દ્રનગર ઘાંચીવાડ વિસ્તારમાંથી પણ એખક સગીર બિયરની બોટલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. સગીર સ્કુલબેગમાં બિયર વેચતો હોવાની બાતમીન આધારે પોલીસે દરોડા પાડતા સગીરે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ સગીરને ઝડપી લઇ તેની પાસે રહેલા થેલાની તપાસી લેતા તેમાંથી ૪ નંગ બીયરના ટીન અને તેના ઘરમાંથી વધુ ૪૪ બીયરના ટીન મળી આવતાં સગીરને ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.