Western Times News

Gujarati News

કન્હૈયા કુમાર રાહુલ ગાંધીને મળ્યા: કોંગ્રેસમાં જોડાય તેવી શક્યતા

નવી દિલ્હી. ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી  નેતા અને જેએનયૂ સ્ટુડન્ટ સંઘના પૂર્વ અધ્યક્ષ કન્હૈયા કુમાર ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાઈ શકે છે. કોંગ્રેસના સૂત્રો મુજબ, કન્હૈયા કુમાર કોંગ્રેસના સંપર્કમાં છે અને તેમણે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી લીધી છે. બીજી તરફ, ગુજરાતના વડગામ બેઠકના અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી પણ કોંગ્રેસ નેતૃત્વના સંપર્કમાં છે.

કોંગ્રેસે ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં  બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠકથી ઉમેદવાર ન ઉતારીને મેવાણીની મદદ કરી હતી. કોંગ્રેસ આ બંને નેતાઓને પાર્ટીમાં સામેલ કરી યુવા નેતાઓની ખોટ દૂર કરવા માંગે છે જેઓએ હાલમાં જ પાર્ટી છોડી છે.

‘ઈન્ડિયન એક્સપ્રેસ’ના રિપોર્ટ મુજબ, કન્હૈયા કુમાર સાથે જોડાયેલા નજીકના સૂત્રોના જણાવ્યા મુજબ, તેઓ CPIમાં સંકુચિતતા અનુભવી રહ્યા છે. તેમણે મંગળવારે રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી.

એવું માનવામાં આવી રહ્યું છે કે કન્હૈયા કુમાર ટૂંક સમયમાં કોંગ્રેસમાં સામેલ થઈ શકે છે. કુમારના CPI છોડવાના અહેવાલો અંગે જ્યારે પાર્ટીના મહાસચિવ ડી. રાજાને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે, આ સંબંધમાં તેમણે પણ અહેવાલો સાંભળ્યા છે. હું માત્ર એટલું જ કહી શકું છું કે તેઓ આ મહિનાની શરૂઆતમાં યોજાયેલી પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં સામેલ થયા હતા. તેમણે બેઠકમાં પોતાની વાત રજૂ કરી અને અનેક મુદ્દાઓ પર પોતાના વિચાર પણ રજૂ કર્યા હતા.

કોંગ્રેસ સૂત્રો મુજબ, કન્હૈયા કુમાર બિહારના રાજકારણમાં સક્રિય ભૂમિકા નિભાવવા માંગે છે. કોંગ્રેસ છેલ્લા ત્રણ દશકથી બિહારમાં ઘણું ખરાબ પ્રદર્શન કરી રહ્યું છે. ગયા વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે RJD અને CPI (ML)ની સાથે ગઠબંધનમાં ચૂંટણી લડી હતી. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 70 સીટોમાંથી 19 પર જ જીત મળી હતી. જ્યારે RJDએ 144 સીટોમાંથી અડધી સીટો પર જીત પ્રાપ્ત કરી હતી. જ્યારે CPI (ML)એ 19માંથી 12 સીટ પર જીત નોંધાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.