કપડવંજના ઘડિયા ગામનો આર્મી જવાન સિક્કીમમાં શહીદ
કપડવંજ, આર્મીમાં ફરદ બજાવતા કપડવંજ તાલુકાના ઘડિયા ગામના હિતેશ પરમારનું સિક્કીમ ખાતે મૃત્યુ થયું છે. ઘડિયા ગામના બુધાભાઈ પરમારનાં બે સંતાનો પૈકી મોટા પુત્ર હિતેશ પરમાર (ઉં. ૩૨) ૨૦૧૧માં આર્મીમાં ભરતી થયા હતા. તેમનું પહેલું પોસ્ટિંગ પંજાબમાં હતું. ત્યાર બાદ તેમણે દેશના વિવિધ સ્થળોએ ફરજ બજાવી છે.
એક મહિના પહેલાં જ આર્મી જવાન હિતેશ પરમારની સિક્કિમ ખાતે બદલી થઈ હતી. તે પહેલં તેઓ પશ્ચિમ બંગાળમાં ફરજ પર હતા. આ પહેલાં હિતેશ પરમાર બે મહિના પૂર્વે વતન ઘડિયા ખાતે એક મહિના જેવી રજા ભોગવીને ફરજ પર હાજર પાછા ફર્યા હતા. હિતેશભાઈ પરમારે બે દિવસ પૂર્વે તેમની પત્ની સાજનબેન સાથે ફોન પર વાતચીત કરી હતી અનેઘરના સભ્યોના ખબર-અંતર પૂછ્યા હતા.
હિતેશભાઈ પરમારના ભાઈ સતીશ પરમારને સોમવારની મોડી સાંજે આર્મીના અધિકારીનો ફોન આવ્યો હતો અને ફોનમાં તેમણે હિતેશ પરમારનું નિધન થયું છે એમ જણાવ્યું હતું. હિતેશભાઈનો પાર્થિવદેહ ગુરુવારે માદરે વતન ઘડિયા ગામે લાવવામાં આવાતાં મોટા સંખ્યામાં લોકો તેમની અંતિમ યાત્રામાં જાેડાયાં હતાં. તેને ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.HS