Western Times News

Gujarati News

કપડવંજ-કઠલાલ રોડ પર એસટી બસ-બાઇક વચ્ચે અકસ્માત : એક જ પરિવારના ૩ના મોત

કપડવંજ: કપડવંજ તાલુકાના દાસલવાડા ગામ પાસે આજે બપોરના સમયે થયેલ ગમખ્વાર અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ વ્યક્તિના ઘટનાસ્થળ પર મોત નિપજ્યા છે. ઘટનાને પગલે ૧૦૮ની ટીમને કોલ મળતા ૨ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળ પર પહોચી હતી, જોકે બચાવ કાર્યવાહી થાય તે પહેલા જ ૩એ વ્યક્તિઓએ દમ તોડી દીધો હતો.

અકસ્માતની મળતી વિગતો અનુસાર કપડવંજ તાલુકાના નવાગામ ખાતે રહેતા મુકેશભાઇ પરમાર તેમના પરીવારના સભ્યો સાથે કોઇ કામ અર્થ બહારગામ નિકળ્યા હતા. દરમ્યાન આજે બપોરના સમયે તેઓ પોતાનું બાઇક નં.જીજે-૭, સીએમ-૭૩૦૮ લઇ કઠલાલથી પરત નવાગામ તરફ આવી રહ્યા હતા. દરમ્યાન દાસલવાડા બ્રિજ પર ખંભાતથી કપડવંજ તરફ જતી એસટી બસ નં.જીજે-૧૮, વાય-૮૭૮૨ના ડ્રાઇવરે આગળ જતા ડમ્પરનો ઓવરટેક કરવાનો પ્રયાસ કરતા અકસ્માત સર્જાયો હતો.

ડ્રાઇવર દ્વારા ઓવરટેક કરતા સામેથી આવી રહેલ બાઇકને ટક્કર વાગી હતી. જેના કારણે બાઇક પર સવાર મહેશભાઇ પરમાર (ઉ. વ. ૨૩), કોમલબેન પરમાર (ઉ.વ.૨૦) અને જયશ્રીબેન પરમાર (ઉ. વ.૧૮) હવામાં ફંગોળાઇ જમીન પર પટકાયા હતા. અને ત્રણેય વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોચતા ત્રણેના ઘટનાસ્થળ પર મૃત્યુ થયા હતા. ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા સ્થળ પર ઉમટી પડ્‌યા હતા. જેઓએ પોલીસ તેમજ ૧૦૮ની ટીમને જાણ કરતા ૧૦૮ની બે ટીમો ઘટનાસ્થળ પર પહોચી હતી.

અકસ્માત અંગે કપડવંજ ગ્રામ્ય અને આતરસુંબા પોલીસને જાણ થતા બંને પોલીસ ઘટનાસ્થળ પર દોડી ગઇ હતી. જેઓએ ત્રણે મૃતકોની લાસોને પોષ્ટ મોર્ટમ માટે કપડવંજ સરકારી હોસ્પિટલ ખાસે મોકલી આપી હતી. ઘટના અંગે આતરસુંબા પોલીસે ફરિયાદ નોધી કાયદેસર કાર્યવાહી હાથધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.