કપાસની આયાત પર Custom Duty નહીં લાગે : સપ્ટેમ્બર મહિના સુધી રાહત
નવી દિલ્હી, નાણા મંત્રાલયે બુધવારે મહત્વનો નિર્ણય લીધો છે અને કપાસની આયાત પર 30મી સપ્ટેમ્બર સુધી કસ્ટમ ડ્યુટી માફ કરવાની જાહેરાત કરી છે. મંત્રાલયના આ નિર્ણયના કારણે વસ્ત્ર ઉદ્યોગને ફાયદો થશે અને ગ્રાહકોને પણ ઓછી કિંમતે વસ્ત્ર મળી રહેશે. નાણા મંત્રાલયના આ નિર્ણય બાદ ટેક્સટાઈલના વેપારીઓમાં ખુશીનો માહોલ વ્યાપ્યો છે.
હાલ કપાસની આયાત ઉપર 5% બેઝિક કસ્ટમ ડ્યુટી (BCD) અને 5% કૃષિ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સેસ (AIDC) લાગે છે. ટેક્સટાઈલના વેપારીઓ સ્થાનિક કિંમતો ઘટાડવા માટે સતત ટેક્સમાં છૂટની માગણી કરી રહ્યા હતા. ત્યાર બાદ બુધવારે નાણા મંત્રાલય દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને સીમા શુલ્ક બોર્ડ (CBIC)એ નાણા મંત્રાલયના નિર્ણય બાદ કપાસની આયાત માટે કસ્ટમ ડ્યુટી અને AIDCમાં છૂટને લઈ નોટિફિકેશન બહાર પાડ્યું હતું.
CBICના કહેવા પ્રમાણે આ નોટિફિકેશન 14 એપ્રિલ 2022ના રોજથી પ્રભાવી થશે અને 30 સપ્ટેમ્બર 2022 સુધી લાગુ રહેશે. આ છૂટથી ટેક્સટાઈલ ચેન, યાર્ન, કપડાં, ગારમેન્ટ્સ અને મેડ અપ્સને ફાયદો થશે. આ સાથે જ ગ્રાહકોને પણ રાહત મળશે. મંત્રાલયના કહેવા પ્રમાણે આ નિર્ણયથી કપડાંની નિકાસમાં પણ ફાયદો થશે.