Western Times News

Gujarati News

કપાસિયા અને પામતેલના ભાવમાં વધુ ૧૦નો ઘટાડો

પ્રતિકાત્મક

રાજકોટ, માઝા મુકતી મોંઘવારી અને જીવનજરૂરી ચીજ વસ્તુઓના ભડકે બળતા ભાવ વચ્ચે રાહતના સમાચાર સાંપડી રહ્યા છે.
જેમાં રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં ફરી એક વખત ઘટાડો નોંધાયો છે. કપાસિયા અને પામતેલના ભાવમાં ઘટાડો આવ્યો છે જેને પગલે ૩ દિવસમાં ભાવમાં ૪૦ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. ભાવ ઘટાડાનો આ સિલસિલો આગામી સમયમાં પણ યથાવત રહે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.

આસમાનને આંબી રહેલી મોંઘવારીથી સામાન્ય માણસ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ જન્મી છે. જેને લઈને મધ્યમ વર્ગના માનવીની જીવન સાયકલમાં પણ અનેક વિઘ્નો આવ્યા છે. તેવામાં હાલ પેટ્રોલ-ડિઝલના ભાવમાં મહદઅંશે રાહતરૂપ ઘટાડો કરતાં બેકાબૂ મોંઘવારી થોડાઘણા અંશે અંકુશમાં આવી છે. તેવામાં રાજકોટમાં ખાદ્ય તેલના ભાવમાં ફરી ઘટાડો થયો છે.

કપાસિયા અને પામતેલમાં આજે વધુ ૧૦ રૂપિયાનો ઘટાડો થયો હોવાથી કપાસિયા લુઝ તેલના ડબ્બાના રૂપિયા ૧૪૬૦ ભાવ હતા તે ઘટીને નવા ભાવ ૧૪૫૦ રૂપિયા પર સ્થિર થયા છે. બીજી તરફ કપાસિયા તેલના ડબ્બાનો જુનો ભાવ ૨૫૮૦ થી ૨૬૩૦ રૂપિયા હતો ત્યારબાદ ભાવમાં નજીવો ઘટાડો આવતા નવો ભાવ ૨૫૭૦ થી ૨૬૨૦ રૂપિયા પર અટક્યો છે. તેજ રીતે પામતેલના ડબ્બાનો જૂનો ભાવ ૨૪૨૦ થી ૨૪૨૫ રૂપિયા હતો તેમાં પણ ભાવ ઘટાડાને લઈને નવો ભાવ ૨૪૧૦થી ૨૪૧૫ પર અટક્યો છે.

અત્રે નોંધનિય છે કે, એક બાજુ કોરોનાને પગલે અમલી કરાયેલા લોકડાઉનથી ધંધા-રોજગારને મરણતોડ ફટકો પડયો છે.
ધંધા-રોજગારની ગાડી હજુ બારોબાર પાટે ચડી નથી ત્યાં મોંઘવારીએ માજા મુકતા સામાન્ય માણસનું જીવન દોહ્યલું બની ગયું છે. આથી મોંઘવારીનો રાક્ષસ કાબૂમાં આવે અને બેફામ વધતાં જતાં ભાવ પર અંકુશ આવે તેવું લોકો ઇચ્છી રહ્યા છે.ss3kp


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.