કપિલ મિશ્રાને Y+ સિક્યુરીટી પૂરી પાડવામાં આવી
નવીદિલ્હી, ઉશ્કેરીજનક ભાષણ આપવાના આરોપી બીજેપી નેતા કપિલ મિશ્રાને વાય શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. બીજેપી નેતાની સુરક્ષામાં હવે ચોવીસ કલાક ૬ સુરક્ષાકર્મી તૈનાત રહેશે. તેની સાથે જ તેમને હંમેશા સુરક્ષાકર્મીઓની સાથે લઈને બહાર જવાની સલાહ આપવામાં આવી છે. કપિલ મિશ્રાને વાય શ્રેણીની સુરક્ષા પૂરી પાડવાનો નિર્ણય ગૃહ મંત્રાલયે લીધો છે.
રિપોર્ટ મુજબ, કપિલ મિશ્રાએ સતત મળી રહેલી ધમકીઓ બાદ સુરક્ષા પૂરી પાડવાની માંગ કરી હતી. ત્યારબાદ ખતરાનું આકલન કરવામાં આવ્યું અને ત્યારબાદ બીજેપી નેતાને વાય શ્રેણીની સુરક્ષા પૂરી પાડવાનો નિર્ણય લેવાયો. તેમને થોડાક દિવસ પહેલા જ વાય શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે.
બીજી તરફ, કપિલ મિશ્રાને વાય શ્રેણીની સુરક્ષા આપવા અંગે રાજકીય નિવેદનબાજી શરૂ થઈ ગઈ છે. કાંગ્રેસ નેતા જયવીર શેરગિલે હુમલો કરતાં કહ્યું કે, ધરપકડ કરવાને બદલે કપિલ મિશ્રાને વાય શ્રેણીની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. તેઓએ કહ્યું કે નફરત ફેલાવનારને રક્ષા, તેમના પ્રચાર અને તેમની નફરત અને હિંસાની રાજનીતિને ફેલાવવા માટે બીજેપીની નવી રણનીતિ છે. શેરગિલ અનુસાર, જે વ્યક્તિને જેલમાં હોવું જોઈએ, હજે તે બીજેપીનું સંરક્ષિત ઘરેણું છે અને તે પણ કરદાતઓના પૈસા પર! જયારે આમ આદમી પાર્ટીના નેતા સંજયસિંહે પણ મિશ્રાને આપવામાં આવેલ સુરક્ષાનો વિરોધ કર્યો છે.