કપિલ શર્માના શોમાં સુનીલ ગ્રોવર પાછો નહીં આવે
સુનીલને કોમેડી શોમાં વાપસી કરવા માટે સલમાન ખાન તરફથી કોઈ ફોન કોલ નથી આવ્યો. કપિલ શર્માની સાથે ફ્લાઈટથી પરત આવી રહ્યો હતો, તે દરમિયાન બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો.
મુંબઈ: ધ કપિલ શર્મા શોમાં પાછા આવવાનો સુનીલ ગ્રોવરનો કોઈ પ્લાન નથી. એક્ટરના શોમાં કમબેકને લઈને ઘણા પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી હતી. છેલ્લા ૨-૩ દિવસથી ફરી ચર્ચા થઈ રહી હતી કે, સલમાન ખાન દ્વારા સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની વચ્ચે પેચઅપ કરાવવામાં આવ્યું છે.
જાે કે, એક્ટરના નજીકના લોકો આ વાતને અફવા ગણાવીને ફગાવી ચૂક્યા છે. સુનીલ ગ્રોવરના નજીકના સૂત્રોએ જણાવ્યું કે, ‘હાલમાં આવેલી વેબ સીરિઝમાં સુનીલ ગ્રોવરના પર્ફોર્મન્સના વખાણને કપિલ શર્મા શો સાથે જાેડીને જાેવું તે ખોટું રહેશે.
સૂત્રોએ વધુમાં ઉમેર્યું કે, ‘સુનીલને કોમેડી શોમાં વાપસી કરવા માટે સલમાન ખાન તરફથી કોઈ ફોન કોલ નથી આવ્યો. ઉલ્લેખનીય છે કે, સુનીલ ગ્રોવર એક શો બાદ કપિલ શર્માની સાથે ફ્લાઈટથી પરત આવી રહ્યો હતો, તે દરમિયાન બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થયો હતો. કપિલે આવેશમાં આવીને સુનીલ પર જૂતું પણ ફેંક્યું હતું.
વર્ષ ૨૦૧૭ બાદ સુનીલ ગ્રોવર અને કપિલ શર્માની મિત્રતામાં તિરાડ પડી ગઈ. સુનીલ ગ્રોવરે ઝઘડા બાદ ધ કપિલ શર્મા શોથી અંતર જાળવી લીધું અને સાથે જ કપિલની સાથે ફરીથી કામ ન કરવા સુધીનો ર્નિણય લીધો. સુનીલ ગ્રોવર હાલ તેના કામથી ખુશ છે અને વેબ શો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યો છે.
વિકાસ બહલ દ્વારા ડાયરેક્ટ કરવામાં આવેલો તેનો અપકમિંગ શો સનફ્લાવરનું સ્ટ્રીમિંગ ખૂબ જલ્દી શરુ થવાનું છે. જાે કોરોનાની સ્થિતિ ઠીક રહી તો સલમાન ખાનની સાથે સ્ટેજ શો કરવા માટે સુનીલ ગ્રોવર અમેરિકા જવાનો છે. બીજી તરફ, ધ કપિલ શર્મા શો ઓફ-એર થવાનો છે. થોડા મહિના બાદ શો નવી સીઝન સાથે પાછો ફરશે.
શો ઓફ-એર થવા પાછળનું કારણ આપતાં કપિલ શર્માએ કહ્યું હતું કે, તેની પત્ની ગિન્ની ચતરથ પ્રેગ્નેન્ટ છે અને તેથી જ તે તેની સાથે સમય પસાર કરવા માગે છે. જણાવી દઈએ કે, ગિન્નીએ પહેલી ફેબ્રુઆરીએ દીકરાને જન્મ આપ્યો હતો. જેની જાણકારી કપિલે ટિ્વટર દ્વારા ફેન્સને આપી હતી. હાલ કપિલ પત્ની, દીકરી અનાયરા અને નવજાત દીકરા સાથે સમય પસાર કરી રહ્યો છે.