કબાટમાંથી મળેલી ડાયરીએ પતિના અફેરનો ભાંડો ફોડ્યો
અમદાવાદ: ભદ્ર પરિવારની એક યુવતીએ તેના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે આક્ષેપ કર્યો છે કે લગ્ન બાદ તેના પતિના પર સ્ત્રી સાથેના સંબંધોની તેને જાણ થઈ હતી. કબાટ સાફ કરતી વખતે એક ડાયરી મળી આવી હતી જેમાં આ અફેરની ખબર પડી હતી. અવાર નવાર સાસરિયાઓ ત્રાસ આપતા હતા. પતિ પણ અંગત ફોટો વાયરલ કરવાનું કહી આપઘાત કરવાની ધમકી આપતો રહેતો હતો. સમગ્ર બાબતને લઈને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.
શહેરના પ્રહલાદનગરમાં રહેતી ૩૨ વર્ષીય યુવતી હાલ તેના માતા પિતા અને બે બાળકો સાથે રહે છે. તેના લગ્ન વર્ષ ૨૦૦૮માં મુંબઈના યુવક સાથે મુંબઈમાં જ થયા હતા. લગ્ન બાદ સાસરે રહેવા ગયા બાદ આ યુવતી તેના પતિનું કબાટ સાફ કરતી હતી ત્યારે કબાટમાંથી એક ડાયરી મળી હતી. ડાયરીમાંથી અન્ય સ્ત્રી સાથે સંબંધ હોવાની અનેક વસ્તુઓ મળી હતી. આ બાબતે વાત કરતા યુવતીના પતિએ ઝગડો કર્યો હતો. સાસરિયાઓ સાથે પણ આ વાત કરતા તેઓએ આ વાત નહિ કરવાનું કહી યુવતીને ત્રાસ આપ્યો હતો. બાદમાં સાસરિયાઓ દહેજમાં કઈ લાવી નથી તેમ કહી કોઈ મહેમાન આવે ત્યારે પણ આવી વાતો કરતા હતા.
સાસરિયાઓ તેને બહુ કામ કરાવતા અને આરામ કરાવતા ન હતા. પૂરતો આરામ ન મળતા યુવતીને ગંભીર બીમારીઓનો પણ સામનો કરવો પડ્યો હતો. સારવાર ની જરૂરિયાર હોવા છતાંય ત્રાસ આપતા યુવતીને તેના માતા પિતા પાસે જવું પડ્યું હતું અને બાદમાં અલગ ભાડે રહેવા જવું પડ્યું હતું.
બાદમાં તેનો પતિ અંગત ફોટો વાયરલ કરવાની ધમકી આપી જાે તું મને છોડી દઈશ તો હું આપઘાત કરી લઈશ તેવી ધમકીઓ આપતો હતો. થોડા સમય પહેલા યુવતી તેના પિયર આવી ત્યારે પણ તેના પતિના મુંબઈ ખાતેના મકાનમાં અન્ય સ્ત્રી બાબતેની વાતો જાણવા મળી હતી. બાદમાં પુત્રના જન્મદિન બાદ લેવા ન આવવાનું જણાવતા યુવતી પતિના ત્રાસથી કંટાળી ગઈ હતી. આખરે કંટાળીને યુવતીએ પતિ સહિતના સાસરિયાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.