કમલનાથ પર હિંસક ગતિવિધિનો આરોપ, રાષ્ટ્રદ્રોહનો કેસ ચલાવવાની માંગ કરાઈ
ભોપાલ: મધ્યપ્રદેશમાં જ્યારથી કોંગ્રેસની કમલનાથ ગઈ અને ભાજપની શિવરાજની સરકાર સત્તામાં આવી ત્યારથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રાજકારણ ગરમાયેલું રહે છે. રાજકારણમાં આક્ષેપ-પ્રતિઆક્ષેપ અને વિવાદિત નિવેદનો કરવાની મર્યાદા હવે પાર થઇ ગઈ છે. એક નિવેદનના આધારે કોંગ્રેસ નેતા અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કમલનાથ પર હિંસક ગતિવિધિનો આરોપ લાગ્યો છે અને આ સાથે જ કમલનાથ પર રાષ્ટ્રદ્રોહનો કેસ ચલાવવાની માંગ કરવામાં આવી છે.
કોરોનાના એક પ્રકાર સાથે ભારતનું નામ જાેડવાના કોંગ્રેસ નેતા કમલનાથના વેદન અંગે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તેમના પર સતત વાક પ્રહારો કરી રહ્યાં છે, આવામાં કમલનાથના વધુ એક નિવેદનને આધારે તેમના પર હિંસક ગતિવિધિનો આરોપ લગાવવામાં આવ્યો છે તેમજ તેમના પર રાષ્ટ્રદ્રોહનો કેસ ચલાવવાની માંગ કરાઈ છે. આ માંગ સરકારના મંત્રી મહેન્દ્રસિંહ સિસોદિયાએ કરી છે.
એક વિવાદિત નિવેદનને લઈને મધ્યપ્રદેશ સરકારના મંત્રી મહેન્દ્રસિંહ સિસોદિયાએ કમલનાથની આતંકવાદી સાથે સરખામણી કરી દીધી.મહેન્દ્રસિંહ સિસોદિયાએ કહ્યું, ‘કમલનાથ જેવી વ્યક્તિ વિડિઓમાં તેના કાર્યકરોને કહે છે કે તક સારી છે, તો આગ લગાવી દો. આ જ વાત આતંકવાદીઓ કહે છે કે તક સારી છે ભારતમાં બોમ્બ બ્લાસ્ટ કરી દો. આ આતંકવાદની શ્રેણીમાં આવે છે.’
કોંગ્રેસ નેતા કમલનાથએ ૨૧ મે ના દિવસે એક વર્ચ્યુઅલ પત્રકાર પરિષદને સંબોધન કરતી વખતે કોરોનાના એક પ્રકાર સાથે ભારતનું નામ જાેડ્યું હતું. કમલનાથના આ નિવેદન બાદ મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ સહીત સરકારના મંત્રીઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ કમલનાથ પર પ્રહારો કરવાના શરૂ કર્યા હતા. કમલનાથે મધ્યપ્રદેશ સરકાર પર આંકડાઓ છુપાવવાના પણ આરોપો લગાવ્યાં હતા. કમલનાથના વિવાદિત નિવેદનો અંગે મુખ્યપ્રધાન શિવરાજે કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીની તુલના ધૃતરાષ્ટ્ર સાથે કરી હતી.