કમલેશ તિવારીના બંને હત્યારાઓ પાકિસ્તાન ભાગી છુટવાની ફિરાકમાં હતા
કમલેશ તિવારીને મોઈને છરી મારી હતી જયારે અશ્ફાકે ગોળીબાર કર્યો હતો |
(પ્રતિનિધિ) અમદાવાદ : ઉત્તર પ્રદેશના લખનૌમાં હિન્દુ મહાસભાના અગ્રણી કમલેશ તિવારીની હત્યામાં સુરતમાંથી આરોપીઓ પકડાયા બાદ બે મુખ્ય સુત્રધારોની ગઈકાલે સાંજે શામળાજી પાસેથી પકડી લીધા બાદ આરોપી અશફાક હુસેન અને મોઈનુદ્દીનની પુછપરછ શરૂ કરાતા બંને આરોપીઓએ કમલેશ તિવારીની હત્યા કરી હોવાની કબુલાત કરતા જ હવે બંને આરોપીઓને કાયદાકીય પ્રક્રિયા બાદ ઉત્તરપ્રદેશ પોલીસને સોંપવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. આજે બંને આરોપીઓને કોર્ટમાં રજુ કરવામાં આવશે તેવું જાણવા મળી રહયું છે.
આ અંગેની વિગત એવી છે કે લખનૌમાં હિન્દુ મહાસભાના અગ્રણી કમલેશ તિવારીની તેની જ ઓફિસમાં ક્રુરતાપૂર્વક હત્યા કરવાની ઘટનાથી પોલીસતંત્ર સતર્ક બન્યું હતું અને સમગ્ર ઘટનાની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી હતી જેમાં સમગ્ર હત્યાનું પગેરૂ સુરતમાં નીકળતા ગુજરાત એટીએસે ઝીણવટભરી તપાસ શરૂ કરી ષડયંત્ર રચનાર આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને સમગ્ર ઘટનાનો પર્દાફાશ કર્યો હતો.
જાકે કમલેશ તિવારીની હત્યા કરનાર અશફાક હુસેન અને મોઈનુદ્દીન પઠાણ નાસતા ફરતા હતા આ બંને આરોપીઓને અંગે ઈનામની પણ જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન બંનેના ફોન ટ્રેસ કરવામાં આવતા જ મહત્વપૂર્ણ વિગતો પ્રાપ્ત થઈ હતી અને તેના આધારે એટીએસના અધિકારીઓએ શામળાજી પાસે વોચ ગોઠવીને આ બંને આરોપીઓને ઝડપી લીધા હતાં.
એટીએસના અધિકારીઓને મળેલી મહત્વપૂર્ણ સફળતા બાદ ઉત્તરપ્રદેશ પોલીસ પણ ગુજરાત આવવા રવાના થઈ ગઈ છે. બીજીબાજુ પકડાયેલા અશફાક અને મોઈનુદ્દીનની પુછપરછ કરવામાં આવતા આ બંને આરોપીઓ સુરતના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે. આરોપીઓએ કબુલ્યુ હતું કે હિન્દુ મહાસભાના અગ્રણી કમલેશ તિવારીની ઓફિસમાં તેઓ બંને જણાં હથિયારો સાથે ગયા હતા અને મોઈને કમલેશ તિવારીને છરી મારી હતી જયારે અશફાકે ગોળીબાર કર્યો હતો. કમલેશ તિવારીની હત્યા કર્યાં બાદ બંને આરોપીઓ ત્યાંથી ભાગી છુટયા હતા અને સંતાતા ફરતા હતાં.
પુછપરછ દરમિયાન ચોંકાવનારી વિગત જાણવા મળી હતી. કમલેશ તિવારીની હત્યા કર્યા બાદ આ બંને આરોપીઓ સંતાતા ફરતા હતા પરંતુ રૂપિયા ખુટી જતાં તેમના મિત્રને ફોન કર્યો હતો જેમાં બંનેના લોકેશન જાણવા મળ્યા હતાં અને એટીએસના અધિકારીઓએ બંનેને ઝડપી પાડયા છે. આ બંને આરોપીઓ મિત્ર પાસેથી પૈસા લીધા બાદ પાકિસ્તાન ભાગી છુટવાની ફિરાકમાં હતાં પરંતુ તે પહેલા જ બંને આરોપીઓ ઝડપાઈ ગયા છે.
એટીએસની આ મહત્વપૂર્ણ કામગીરી બાદ ઉત્તરપ્રદેશની એક ટીમ ગુજરાત આવવા રવાના થઈ ગઈ છે. બીજીબાજુ બંને આરોપીઓને કોર્ટમાં રજુ કરાય તેવી શક્યતા છે અને ત્યાંથી જ ઉત્તરપ્રદેશ પોલીસને સોંપવામાં આવશે.