કમુરતા બાદ કોરોનાનો કાળો કેર: અમદાવાદમાં એક જ દિવસમાં ૯૮૩૭ કેસ નોંધાયા
કેસની સંખ્યા વધતા કન્ટેન્ટમેન્ટ ઝોન પણ વધ્યા: ૪પ૦ દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ: ૯૦ ગંભીર
(પ્રતિનિધિ)અમદાવાદ, સ્માર્ટસીટી અમદાવાદમાં કોરોનાએ પાછલા તમામ રેકોર્ડ બ્રેક કર્યા છે. શહેરમાં સતત ત્રીજા દિવસે કોરોનાના પાંચ હજાર કરતા વધારે કેસ નોંધાયા છે. ગુરૂવારે એક જ દિવસમાં ૯પ૦૦ કરતા વધુ કેસ કન્ફર્મ થયા છે જેના કારણે તંત્રની ચિંતા વધી ગઈ છે જયારે નાગરિકોમાં ભારે ફફડાટ જાેવા મળી રહયો છે. કમુર્તા બાદ કોરોનાના કેસ અને કહેર વધી ગયા છે તેમજ માત્ર છેલ્લા પાંચ જ દિવસમાં કોરોનાના ૩૧ હજાર કરતા વધુ કેસ નોંધાયા છે જે ચાલુ માસમાં નોંધાયેલ કેસના પ૦ ટકા છે.
અમદાવાદ શહેર કોરોનાનું એપી સેન્ટર બની રહયું છે શહેરમાં બુધવારે ૮૩૯૧ કેસ નોંધાયા હતા તે જાેતા નિષ્ણાતો તેને પીક માની રહયા હતા પરંતુ ગુરૂવારે કોરોનાના ૯૮૩૭ નવા કેસ નોંધાયા હતા જેના કારણે નિષ્ણાંતોના તમામ ગણિત ખોટા સાબિત થઈ રહયા છે. શહેરમાં ઉતરાયણ બાદ કોરોનાના કેસમાં રોકેટ ગતિએ ઉછાળો આવ્યો છે ૧૬ જાન્યુઆરીથી ર૦ જાન્યુઆરી સુધી પાંચ દિવસમાં ૩૧૮૩૦ કેસ નોંધાયા છે. જયારે છેલ્લા ત્રણ દિવસમાં ર૪રર૬ કેસ કન્ફર્મ થયા છે.
જાન્યુઆરી મહિનામાં કોરોનાના નવા કેસની સંખ્યા ૬૩ હજારને પાર કરી ગઈ છે. જે કોરોનાની પ્રથમ લહેર અને ૨૦૨૦ની દિવાળીમાં આવેલી મીની લહેરના કુલ કેસ કરતા પણ વધારે છે. કોરોનાને નિયંત્રણમાં લેવા માટે મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા ટેસ્ટીંગ અને ટ્રેસીંગની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
મ્યુનિ.તંત્ર દ્વારા ગુરૂવારે ૪૧ નવા માઈક્રો કન્ટેઈન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યાં છે. મ્યુનિ. આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ શહેરમાં હાલ ૩૦૪૦૦ એક્ટિવ કેસ છે જે પૈકી માત્ર ૪પ૦ દર્દીઓ જ વિવિધ હોસ્પિટલોમાં સારવાર હેઠળ છે જે પૈકી ૯૦ દર્દીની સ્થિતિ ગંભીર છે શહેરમાં છેલ્લા ૧પ દિવસમાં જે કેસ નોંધાયા છે તે પૈકી ૬૦ ટકા કરતા વધુ કેસ નવરંગપુરા, પાલડી, વાસણા, જાેધપુર, થલતેજ, મણીનગર, નિકોલ, ચાંદલોડિયા, બોડકદેવ અને શાહીબાગ વોર્ડમાં કન્ફર્મ થયા છે. ઝોન મુજબ જાેવા જઈએ તો મધ્યઝોનમાં ર૪૪૬, પશ્ચિમ ઝોનમાં ૭૬૬૧, ઉત્તર પશ્ચિમ ઝોનમાં ૭પ૧૦, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં પ૦૪૮, પૂર્વ ઝોનમાં રર૧પ, ઉત્તર ઝોનમાં ર૧૧૮ અને દક્ષિણ ઝોનમાં ૩૬૭૦ કેસ એક્ટિવ છે.
અમદાવાદ શહેરનાં કોરોના કેસની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ ગયો છે. ૧૮ જાન્યુઆરીએ ૫૯૯૮ કેસ કન્ફર્મ થયા હતા જ્યારે ૧૯ જાન્યુઆરીએ વધુ ૮૩૯૧ કેસ પોઝીટીવ કેસ કન્ફર્મ થયા બાદ તંત્ર દોડતું થઈ ગયું છે.
શહેરમાં કોરોનાનો પ્રથમ કેસ માર્ચ-૨૦૨૦માં કન્ફર્મ થયો હતો. ૨૦૨૦ની સાલના મે અને જૂન મહિનામાં કોરોનાના સૌથી વધુ કેસ નોંધાયા હતા. નિષ્ણાંતોના મતે મે અને જૂન મહિનામાં પ્રથમ લહેર હતી જેમાં અનુક્રમે ૯૧૫૪ અને ૮૬૭૭ કેસ નોંધાયા હતા. જ્યારે ૨૦૨૦માં નવેમ્બર અને ડીસેમ્બર મહિનામાં મીની લહેર આવી હતી. આ બે મહિનામાં કોરોનાના અનુક્રમે ૬૯૮૪ અને ૭૧૯૬ કેસ કન્ફર્મ થયા હતા.
આમ, ૨૦૨૦ની સાલમાં કોરોનાએ બે વખત કહેર વર્તાવ્યો હતો. છતાં માર્ચ-૨૦૨૦થી ડીસેમ્બર-૨૦૨૦ સુધી કોરોનાના કુલ ૫૪૫૦૫ કેસ નોંધાયા હતા. જેની સામે જાન્યુઆરી-૨૦૨૨ના પ્રથમ ૧૯ દિવસમાં જ કોરોનાના ૫૩૬૧૧ કેસ કન્ફર્મ થયા છે. આ આંકડા કોઈપણ દેશ રાજ્ય કે શહેર માટે અત્યંત ભયાવહ માનવામાં આવે છે.
શહેરમાં ૨૦૨૦ના ૧૧ મહિનાના કુલ કેસની સંખ્યા માત્ર ૧૯ દિવસમાં નોંધાયા છે. જાે કે તેની સામે મૃત્યુની અને ગંભીર દર્દીઓની સંખ્યા ખૂબ જ ઓછી છે જેના કારણે તંત્ર અને નાગરીકો થોડી ઘણી રાહત અનુભવી રહ્યા છે. શહેરમાં ૧લી જાન્યુઆરીએ કોરોનાના માત્ર ૫૫૯ કેસ કન્ફર્મ થયા હતા.
બીજી જાન્યુઆરીએ કેસની સંખ્યા ઘટી ૩૯૬ થઈ હતી. ચોથી જાન્યુઆરીએ પ્રથમ વખત કેસની સંખ્યા ચાર આંકડામાં પહોંચી હતી તથા ૧૨૯૦ કેસ નોંધાયા હતા. ત્યારબાદ તેમાં સતત વધારો થતો રહ્યો છે. તેમ છતાં ૧૨ જાન્યુઆરીથી ૧૬ જાન્યુઆરી દરમ્યાન કેસની સંખ્યામાં માત્ર વધઘટ જાેવા મળી નહતી.
પરંતુ ૧૭ જાન્યુઆરીએ દૈનિક કેસની સંખ્યા ૪૩૪૦ થઈ હતી. ૧૮ જાન્યુઆરીએ તેમાં ૧૬૫૮ કેસનો વધારો થયો હતો તથા દૈનિક કેસની સંખ્યા પ્રથમ વખત ૫૯૯૮ થઈ હતી. જ્યારે ૧૯ જાન્યુઆરીએ કોરોનાએ પાઠલા તમામ રેકોર્ડ બ્રેક કર્યા છે. તેમજ એક જ દિવસમાં નવા ૮૩૯૧ કેસ નોંધાયા છે. જે પ્રથમ અને બીજી લહેર દરમ્યાન કોઈ એક મહિનામાં નોંધાયેલા કેસની સંખ્યા બરાબર થાય છે.
એપ્રિલ ૨૦૨૦થી માર્ચ-૨૦૨૧ સુધી દર મહિને કોરોનાના કન્ફર્મ કેસ પર દૃષ્ટિમાન કરીએ તો મે-૨૦૨૦માં ૯૧૫૪, જૂન-૨૦૨૦માં ૮૬૭૭ તથા માર્ચ-૨૦૨૧માં ૯૫૪૪ કેસ નોંધાયા હતા. જેની સામે ર૦ જાન્યુઆરીએ માત્ર એક જ દિવસમાં પોઝીટીવ કેસની સંખ્યા ૯૮૩૭ કન્ફર્મ થઈ છે. ઉત્તરાયણના તહેવારો અને કમુરતા બાદ લગ્ન-પ્રસંગો શરૂ થયા હોવાથી કેસની સંખ્યા વધી રહી હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે.