કમુરતા બાદ ફરી લગ્નની સીઝન શરૂ થતા પોરબંદરના બજારોમાં જોવા મળી રોનક
બજારમાં રોનક જોતા વેપારીઓ ખુશ
દિવાળી બાદ લગ્નસરાની સીઝન શરૂ થઈ હતી
જોકે એક માસ કમુરતાના કારણે બજારમાં ઠંડીનો માહોલ જોવા મળ્યો હતો
પોરબંદર,વર્ષ દરમિયાન અલગ-અલગ તહેવારોમાં બજારમાં ખરીદીનો માહોલ જોવા મળતો હોય છે. અન્ય દિવસોમાં લગ્નસરાની સીઝનમાં બજાર ધમધમતી જોવા મળે છે. પોરબંદરની વાત કરીએ તો હાલ લગ્નસરાની સીઝન ચાલી રહી છે. હાલ જાન્યુઆરી માસમાં પણ ૨ થી ૩ સારા મુહૂર્ત હતા, જેને કારણે બજારમાં ખરીદી જોવા મળી રહી છે. તો આગામી ફેબ્રુઆરી અને માર્ચ માસમાં પણ લગ્ના મુહૂર્ત છે, જેના કારણે પોરબંદરની બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે.
લોકો કપડાં, ઘરેણાં, ફર્નિચર, બુટ-ચંપલની ખરીદી કરી રહ્યા છે. આ લગ્નસરાની સીઝનમાં કેટરર્સ, મંડપ સર્વિસના ધંધાર્થીઓ પણ તડાકો જોવા મળી રહ્યો છે. હાલ બજારમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. ખરીદી માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે, જેને કારણે વેપારીઓ પણ ખુશ જોવા મળી રહ્યા છે. પોરબંદર જિલ્લા મથકનું શહેર હોવાથી જિલ્લાભરમાંથી લોકો પોરબંદર ખરીદી માટે આવે છે.
લગ્નસરાની સીઝનને લઇ ગ્રામ્ય વિસ્તારોના લોકો સવારથી સાંજ સુધી ખરીદી કરે છે. સાંજના સમયે શહેરના લોકો પણ ખરીદી માટે આવતા હોવાથી બજાર સતત ધમધમતી જોવા મળે છે. પોરબંદર જિલ્લામાં મોટા કોઈ ઉદ્યોગ નથી આથી ખેતી આધારિત જિલ્લો છે. ગત વર્ષ સારો વરસાદ થવાના કારણે મગફળીનું સારું એવુ ઉત્પાદન થયું હતું, જેને કારણે લગ્નસરાની સીઝન પણ પૂરબહારમાં ખીલી છે અને ખરીદી પણ સારા પ્રમાણમાં થઇ રહી છે. કપડાં તો ઠીક સોનાના ઘરેણાની પણ સારી એવી ખરીદી જોવા મળી રહી છે.ss1