Western Times News

Gujarati News

કમોસમી વરસાદ : પાક નુકસાન મામલે ૭૦૦ કરોડની સહાય

Files Photo

અમદાવાદ : ભારે અને કમોસમી વરસાદથી થયેલા ખેડૂતોના પાકને થયેલા નુકસાન સંદર્ભમાં આજે મોટો નિર્ણય ગુજરાત રાજ્યમંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો હતો જેના ભાગરુપે ૭૦૦ કરોડ રૂપિયાની સહાયતા જાહેર કરવામાં આવી છે. સરકારે નિર્ણય કર્યો છે કે, ૩૩ ટકાથી વધુ નુકસાન થયું હોય ત્યાં પિયત પાકોમાં રૂપિયા ૧૩૫૦૦ પ્રતિ હેક્ટર અને બિનપિયત પાકોમાં ૬૮૦૦ પ્રતિ હેક્ટર સહાયતા આપવામાં આવશે. જે ખેડૂતોને કમોસમી વરસાદમાં ૩૩ ટકા કરતા ઓછુ નુકસાન થયું હશે

તેમને પણ રાજ્ય સરકાર સહાય આપશે. આગામી ૧૮મી નવેમ્બરથી મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવા પણ કરવાનો નિર્ણય પણ આજની બેઠકમાં લેવાયો હતો. આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં કેબિનેટની બેઠક મળી હતી જેમાં અનેક મહત્વના નિર્ણય કરાયા હતા. રાજયમાં કમોસમી વરસાદથી થયેલા નુકસાનને લઈ રાજ્ય સરકારે મદદ માટે ખેડૂતોને સહાય ચૂકવવાની જાહેરાત કરી છે. રાજયના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં ૫ાંચ લાખ હેક્ટર જમીનમાં સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

આ ખેડૂતોમાંથી જેમને ૩૩ ટકા કરતા વધુ નુકસાન થયું હોય એવા ખેડૂતોને એક હેક્ટર દીઠ પિયત વિસ્તારમાં રૂ. ૧૩,૫૦૦ અને બિન પિયત વિસ્તારમાં હેકટર દીઠ રૂ.૬૮૦૦ સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, જા ખેડૂતોને વધુ સહાય ચૂકવવી પડશે તો તે રાજ્ય સરકારના બજેટમાંથી પણ ચૂકવવામાં આવશે.

ખેડૂતોના પાકના અંદાજો કૃષિ વિભાગ દ્વારા મેળવવામાં આવી રહ્યા છે. આ સહાય લાભાર્થી ખેડૂતોના ખાતામાં આરટીજીએસના માધ્યમથી અને કલેક્ટર દ્વારા જમા કરાવવામાં આવશે. નાયબ મુખ્યમંત્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં ચાલુ વર્ષે થયેલા ભારે તથા કમોસમી વરસાદને પરિણામે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં જુલાઇ,ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પડેલા ભારે વરસાદ તેમજ ઓક્ટોબરના અંતિમ તથા નવેમ્બરના પ્રથમ અઠવાડીયામાં પાકને નુકસાન થયું હતું.

આ સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા ત્વરિત સર્વેની કામગીરી શરૂ કરી હતી, જે પૂર્ણતાના આરે છે. આ ઉપરાંત કમોસમી વરસાદના સરવેમાં ખેડૂતોના પાકને જે નુકસાન થયુ છે પરંતુ નુકસાન નિર્ધારીત ધોરણ ૩૩ ટકા કરતા ઓછુ હોય તેવા ખેડૂતોને પણ રાજ્ય સરકાર દ્વારા સહાય કરવાનો નિર્ણય કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ૪ લાખથી વધુ ખેડૂતોને રૂ.૭૦૦ કરોડની કેન્દ્ર અને રાજ્ય સરકારની સહાય આપવામાં આવશે. આ ઉપરાંત પ્રધાનમંત્રી ફસલ વિમા યોજનામાં વીમો લેનાર ખેડૂતોને પાક વીમા યોજનાની ગાઇડલાઇન મુજબનો લાભ અલગથી મળશે. રાજ્યમાં થયેલા માવઠાને લીધે મગફળીની ટેકાના ભાવે ખરીદી મુલતવી રખાઇ હતી તે આગામી તા.૧૮ નવેમ્બરથી પુનઃ શરૂ કરાશે. રાજ્યમાં સારા ચોમાસાને કારણે ખરીફ સીઝનમાં ૮૬.૭૭ લાખ હેક્ટર વિસ્તારમાં કપાસ, મગફળી, ડાંગર, કઠોળ પાકો દિવેલા તલ વિગેરે પાકોનું સારા પ્રમાણમાં વાવેતર થયું છે.

કપાસની ૯૦ લાખથી વધુ ગાંસડી અને મગફળીનું અંદાજે ૨૫ લાખ મેટ્રિક ટનથી વધુ, ડાંગરનું ૨૦ લાખ મેટ્રીક ટનથી વધુ અને દિવેલાનું ૧૪ લાખ થી વધુ મેટ્રિક ટન ઉત્પાદનનો અંદાજ છે. રાજ્ય સરકારે જાહેર કરેલા રૂ. ૭૦૦ કરોડના સહાય પેકેજ માટે ૫૦૦ કરોડ કેન્દ્ર સરકાર અને રૂ.૨૦૦ કરોડ ગુજરાત સરકાર આપશે. અત્યાર સુધીમાં ૧ લાખ ૯૦ હજાર ખેડૂતોએ પાક નુકસાની માટે અરજીઓ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.