Western Times News

Gujarati News

કમ્યુનિટી રેડિયો સ્ટેશનો પર જાહેરાતો પ્રસારિત કરવાનો સમય 7 મિનિટથી વધારીને 12 મિનિટ કરવા વિચારણા ચાલુ છે

કમ્યુનિટી રેડિયો પર સમાચાર બુલેટિન માટેની દરખાસ્ત પર વિચાર કરવામાં આવશે; ટૂંક સમયમાં કમ્યુનિટી રેડિયો સ્ટેશનોની સંખ્યા વધારવાની યોજના જાહેર કરવામાં આવશેઃ શ્રી જાવડેકર

PIB Ahmedabad
કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી પ્રકાશ જાવડેકરે આજે જણાવ્યું હતું કે, તેઓ કમ્યુનિટી રેડિયો પર જાહેરાતો પ્રસારિત કરવાનો સમય 7 મિનિટથી વધારીને 12 મિનિટ કરીને આ રેડિયોને ટીવી ચેનલોને સમકક્ષ સ્થાન આપવા આતુર છે. મંત્રીએ તમામ કમ્યુનિટી રેડિયો સ્ટેશનો પર એકસાથે સંબોધન કરવાની વિશિષ્ટ પહેલમાં આ વાત કરી હતી. આજે એમના સંબોધનનું પ્રસારણ સાંજે 7 વાગ્યાથી 7.30 વાગ્યા સુધી બે સમાન સ્લોટમાં થયું હતું.

શ્રી જાવડેકરે જણાવ્યું હતું કે, જ્યારે જ્યારે કમ્યુનિટી રેડિયો સ્ટેશન સ્થાપિત કરવાના 75 ટકા ખર્ચનું વહન મંત્રાલય કરે છે અને એમાં મુખ્ય ખર્ચ સામેલ હોય છે, ત્યારે રોજિંદી કામગીરીના ખર્ચનું વહન સ્ટેશન કરે છે. મંત્રીએ એ મુદ્દા પર ધ્યાન દોર્યું હતું કે, અત્યારે કમ્યુનિટી રેડિયો સ્ટેશનોને જાહેરાતો માટે દર કલાકે 7 મિનિટ જાહેરાતો પ્રસારિત કરવાની મંજૂરી છે, ત્યારે ટીવી ચેનલોને દર કલાકે 12 મિનિટ જાહેરાતો પ્રસારિત કરવાની છૂટ છે. તેમણે ઉમેર્યું હતું કે, તેઓ તમામ રેડિયો સ્ટેશનને જાહેરાતો પ્રસારિત કરવા માટે ટીવી ચેનલો જેટલો સમય આપવા આતુર છે, જેથી તેમને ભંડોળ માંગવાની જરૂર ન પડે અને સામુદાયિક સ્ટેશનો પર સ્થાનિક જાહેરાતો વધુ પ્રસારિત થઈ શકે.

સંબોધનની શરૂઆતમાં જાવડેકરે જણાવ્યું હતું કે, કમ્યુનિટી રેડિયો એ પોતાની રીતે એક સમુદાય છે. તેમને ‘પરિવર્તનનાં માધ્યમો’ ગણાવીને તેમણે કહ્યું હતું કે, આ સ્ટેશનો દરરોજ લાખો લોકો સુધી પહોંચ ધરાવે છે અને મંત્રાલય ટૂંક સમયમાં આ પ્રકારનાં સ્ટેશનોની સંખ્યા વધારવાની યોજના રજૂ કરશે.

કોરોનાવાયરસ સામે લડતા લોકોની પ્રશંસા કરીને તેમણે જણાવ્યું હતું કે, આપણે અન્ય રોગોને નાબૂદ કર્યા એ જ રીતે કોરોનાવાયરસને પણ નાબૂદ કરીશું. જોકે તેમણે કહ્યું હતું કે, આ માટે આપણે નવા નિયમો અપનાવવા પડશે અને આ માટે દરેક વ્યક્તિએ 4 સ્ટેપ લેવા પડશે – શક્ય હોય ત્યાં સુધી ઘરમાં રહેવું, અવારનવાર હાથ ધોવા, બહાર નીકળીએ ત્યારે માસ્ક પહેરવો અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું.

સોશિયલ ડિસ્ટન્સિંગ અને આર્થિક પ્રવૃત્તિના પડકારો વચ્ચે રહેલી દ્વિધા પર જાવડેકરે “જાન ભી જહાં ભી” મંત્ર પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, જ્યારે કન્ટેઇન્મેન્ટ ઝોનમાં નિયંત્રણો જળવાઈ રહ્યાં છે, ત્યારે ગ્રીન ઝોનમાં આર્થિક પ્રવૃત્તિઓ શરૂ થઈ ગઈ છે.

જાવડેકરે કમ્યુનિટી રેડિયોની એમની ચેનલો પર સમાચારો પ્રસારિત કરવાની મુખ્ય માંગણી પર વાત કરી હતી. તેમણે ખાતરી આપી હતી કે, તેઓ એફએમ ચેનલોની જેમ કમ્યુનિટી રેડિયો પર સમાચાર પ્રસારિત કરવાની છૂટ આપવા વિચારશે. તેમણે આ પ્રકારનાં સ્ટેશનો બનાવટી સમાચારોની સમસ્યાનું સમાધાન કરવા સ્થાનિક સ્ત્રોતોની મદદથી ખરાઈ કરીને એને અટકાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે એવું જણાવ્યું હતું. તેમણે આ પ્રકારનાં સ્ટેશનોને બનાવટી સમાચારોની જાણકારી ઓલ ઇન્ડિયા રેડિયોને આપવા વિનંતી કરી હતી, જેથી સાચી જાણકારી વધુને વધુ લોકો સુધી પહોંચે. તેમણે ઉમેર્યું હતું કે, મંત્રાલયે પીઆઇબી અંતર્ગત ફાસ્ટ ચેક સેલ ઊભો કર્યો છે અને ફાસ્ટ ચેક સેલની ભૂમિકામાં કમ્યુનિટી રેડિયો પૂરક ભૂમિકા ભજવી શકે છે.

તાજેતરમાં કેન્દ્રીય નાણાં મંત્રી અને કોર્પોરેટ મંત્રીએ જાહેર કરેલા આત્મનિર્ભર ભારત પેકેજ વિશે શ્રી જાવડેકરે જણાવ્યું હતું કે, આ વિસ્તૃત પેકેજ હતું, જેમાં કૃષિ અને ઉદ્યોગ સહિત વિવિધ ક્ષેત્રો માટે સુધારા સામેલ હતા તથા પેકેજનો ઉદ્દેશ આયાત ઘટાડવાનો અને નિકાસને વેગ આપવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે, પેકેજને સારો પ્રતિસાદ મળ્યો છે અને લોકો પ્રોત્સાહન પેકેજથી ખુશ છે.

પૃષ્ઠભૂમિ:

કમ્યુનિટી રેડિયો સરકારી રેડિયો (ઓલ ઇન્ડિયા રેડિયો) અને ખાનગી રેડિયો પ્રસારણ (એફએમ)ની સાથે રેડિયો પ્રસારણનું ત્રીજું ચક્ર છે. આ લૉ પાવર એફએમ રેડિયો સ્ટેશન છે, જે સ્થાનિક મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરે છે, જેની માલિકી અને વ્યવસ્થાપન સમુદાય પોતે કરે છે, જેનો આશય 10થી 15 કિલોમીટરની ત્રિજયામાં રહેતા સમુદાયને લાભદાયક માહિતી આપવાનો છે.
ભારતમાં વર્ષ 2002માં કમ્યુનિટી રેડિયો માટે પ્રથમ નીતિ જાહેર થયા પછી કમ્યુનિટી રેડિયોની શરૂઆત થઈ હતી. આ નીતિમાં શૈક્ષણિક સંસ્થાઓને જ કમ્યુનિટી રેડિયો સ્થાપિત કરવાની છૂટ આપવામાં આવી હતી. આ નીતિ વર્ષ 2006માં વ્યાપક બનાવવામાં આવી હતી અને એ સમયે ભારતમાં બિનસરકારી સંસ્થાઓ (એનજીઓ), કેવીકે જેવી પાયાના સ્તરે કાર્યરત અને અન્ય બિનનફાકારક સંસ્થાઓને પણ કમ્યુનિટી રેડિયો સ્થાપિત કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

અત્યારે ભારતમાં 290 કમ્યુનિટી રેડિયો સ્ટેશનો કાર્યરત છે. આ કમ્યુનિટી રેડિયો દેશમાં આશરે 90 મિલિયન લોકોને આવરી લે છે, જ્યાં અન્ય મીડિયા મર્યાદિત હાજરી ધરાવે છે. આ સીઆરએસ દ્વારા પ્રસારણ સ્થાનિક ભાષા અને બોલીમાં થાય છે, જેથી સમુદાય પર એની ઘણી મોટી અસર છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.