Western Times News

Gujarati News

કયાં સુધી જવાબદારીમાંથી છટકશો ? : પ્રજાનો આક્રોશ

File

નાગરીકો સામે ડંડો ઉગામી દંડ વસુલ કરતા મ્યુનિ.કમીશ્નર બચાવ-ખુલાસાના મુડમાં : શહેરના પ્રથમ નાગરીકના બેજવાબદારીપૂર્ણ નિવેદન ઝૂ સુપ્રિ.ડો.શાહુની શંકાસ્પદ ભૂમિકા

 

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : કાંકરીયા બાલવાટિકામાં ગત રવિવારે ડીસ્કવરી રાઈડસ દુર્ઘટના ના પગલે મ્યુનિસિપલ કોર્પોરેશનના દંભી રાજકારણીઓ અને અધિકારીઓના ચહેરા પરથી નકાબ ઉતરી ગયા છે. સદ્દર દુર્ઘટનામાં બે નિર્દોષ ના જીવ ગુમાવ્યા છે. તેમજ ર૯ લોકો સારવાર હેઠળ છે.

તેવો સમયે શહેર પ્રથમ નાગરીક તથા શહેર કમીશ્નર તરીકે પ્રજાના પડખે ઉભા રહેવાના બદલે “અમારીકોઈ જવાબદારી નથી” જેવા અમાનવીય ઉચ્ચારણો કરવામાં આવ્યા હતા. આ પ્રકારના ઉચ્ચારણ છેલ્લા ઘણા સમયથી બોલવામાં આવી રહયા છે. તથા યેનકેન પ્રકારે જવાબદારીમાંથી છટકવાના પ્રયાસ થઈ રહયા છે.

અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના ઉચ્ચ અધિકારી અને હોદેદારોને પ્રજાના દુઃખ સાથે કોઈ જ લેવા-દેવા નથી. કાંકરીયા રાઈડ્‌સ દુર્ઘટના બાદ સિંઘમ અધિકારી એ.સી.ચેમ્બરમાં બોલીને બચાવ ખુલાસા કરી રહયા છે. જયારે પ્રજાના પ્રતિનિધિઓ પણ બેજવાબદાર નિવેદનો કરી રહયા છે. આ પહેલા પણ જે દુર્ઘટનાઓ થઈ છે. તેમાં પણ આ જ પ્રકારના વાણી-વર્તણુંક રહયા છે.

ઓઢવ પમ્પીંગ સ્ટેશનમાં ચાર મજૂરો એ જીવ ગુમાવ્યા છે. જેને માંડ બે મહીના જ થયા છે. મ્યુનિ.કોર્પોરેશનની જગ્યામાં ચાર વ્યકિતના અપમૃત્યુ થયા હોવા છતાં મેયર અને કમીશ્નર માનવતાના ધોરણે પણ આશ્વાસન આપવાનું ચુકયા હતા. તથા જવાબદારો સામે પોલીસ કેસ કે ખાતાકીય તપાસ પણ કરવામાં આવી નથી. ઓઢવ પમ્પીંગ સ્ટેશનની દુર્ઘટના બાદ માત્ર પંદર દિવસમાં જ એલ.જી.હોસ્પીટલ બિલ્ડીંગમાં જ સરેઆર એક યુવકની હત્યા થાય છે. મ્યુનિ. કોર્પોરેશન ની જગ્યામાં હત્યા થઈ હોવા છતાં “સિંઘમ” ઓફીસર મૌન રહયા છે.

આ બંને દુર્ઘટનામાં પી.ડબલ્યુ ડી.કે. પોલીસ વિભાગની કોઈ જ જવાબદારી હોતી નથી. તે બાબત મેયર અને મ્યુનિ. કમીશ્નર જાણતા જ હશે. છેલ્લા ઘણા કેટલાક સમયમાં આ પ્રકારના અપમૃત્યુ ના કિસ્સા વધી રહયા છે. જમાલપુર તથા વેજલપુરમાં ડ્રેનેજ સફાઈ કામ દરમ્યાન કામદારના મૃત્યુ થયા હતા. આ બંને કિસ્સામાં ભલે કોર્પોરેશનની જવાબદારી ન હોય.

પરંતુ શહેરના પ્રથમ નાગરીક અને શહેર કમીશ્નર તરીકે આશ્વાસનના બે શબ્દો બોલવામાં પણ નાનપ લાગી રહી હોય તેમ માનવામાં આવે છે. મ્યુનિ. કોર્પોરેશનમાં આ પ્રકારની દુર્ઘટનાઓમાં જવાબદારો સામે કાર્યવાહી કરવાના બદલે તેમને છાવરવાની પ્રણાલિ છે. નિકોલ હોનારત તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે !

નિકોલ વિસ્તારમાં ડીમોલેશન સમયે ચાર નિર્દોષના મૃત્યુ થયા હતા. મ્યુનિ.કોર્પોરેશનની ભૂલના કારણે અપમૃત્યુ થયા હતા તે બાબત જગજાહેર છે. ઝોનના આસી.કમીશ્નર પરાગ શાહ અને ડે.એસ્ટેટ ઓફીસર રમેશ દેસાઈની સીધી જવાબદારીમાં થઈ રહેલી કાર્યવાહીમાં દુર્ઘટના થઈ હતી. તેમ છતાં આ બંને અધિકારીઓ સામે કાર્યવાહી કરવાના બદલે તેમને પ્રમોશન આપવામાં આવી રહયા છે.

તેમજ બંધબારણે થયેલ તપાસમાં તેમને નિર્દોષ પણ જાહેર કરવામાં આવ્યા હતા. કાંકરીયા રાઈડસ દુર્ઘટના માં પણ સમાન પરિસ્થિતિ છે. કાંકરીયા લેઈકફ્રાન્ટની તમામ જવાબદારી ડો.આર.કે.શાહ ને સોંપવામાં આવી છે.
પ્રાણી સંગ્રહાલયના સુપ્રિ.ડો.આર.કે.શાહુ અને સુપર સ્ટાર એમ્યુઝમેન્ટના માલિક વચ્ચે મજબુત ગઠબંધન છે. જેના કારણે જ જલધારા વોટર પાર્કના ગરબા, લગ્ન પ્રસંગ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો બેરોકટોક થઈ રહયા હતા. ડો.શાહુની રહેમ નજરે જ સુપર સ્ટાર એમ્યુઝમેન્ટની ક્ષતિગ્રસ્ત રાઈડસ ચાલી રહી હતી.

૬ જુલાઈના રીપોર્ટમાં નટ-બોલ્ટ બદલવા તથા રાઈડ્‌સમાં ક્ષતિ હોવાનો સ્પષ્ટ ઉલ્લેખ હોવા છતાં ડો.શાહુ એ રાઈડ્‌સ બંધ કરાવી ન હતી તથા રીપોર્ટ ફાઈલ કરી ને ફાઈલ અભરાઈએ મુકવામાં આવી હતી. જેના કારણે જ બે નિર્દોષ નાગરીકો એ જીવ ગુમાવ્યા છે.

સુપર-સ્ટાર એમ્યુઝમેન્ટના માલિક સાથે પરોક્ષ ભાગીદારી હોય તે રીતે ડો.શાહુ તેમના લાભ માટે જ કામ કરી રહયા હતા. જલધારા વોટર પાર્ક માટે સદ્દર કંપનીને જ ફરીથી કોન્ટ્રાકટ આપવાની દરખાસ્ત પણ ડો.શાહુએ જ તૈયાર કરી હતી. જેમાં પ્રોપર્ટી ટેક્ષ ન લેવાની તથા ગરબા લગ્નપ્રસંગ તથા સાંસ્કૃતિક કાર્યક્રમો કરવાની પરવાનગી પણ આપવામાં આવી હતી. પરંતુ રાજકીય કારણોસર સ્ટેન્ડીંગ કમીટી દ્વારા મંજૂરી આપવામાં આવી નથી

જે શહેરીજનોનું સદ્‌ભાગ્ય છે. અન્યથા વોટરપાર્કમાં કોઈ દુર્ઘટના થઈ હોત તો પણ “અમારી જવાબદારી નથી” તેવો નિવેદનો જ સાંભળવા મળી શકે તેમ હતા. નોધનીય બાબત એ છે કે સુપર સ્ટાર કંપનીના માલિકે ૧પ વર્ષ જલધારા વોટર પાર્કનું સંચાલન કર્યું હતું તે સમયે પણ કરાર મુજબ સેફટી શરતોની ઐસી-તૈસી જ થતી હતી. તે સમયે વર્તમાન મેયર જ રીક્રીએશન કમીટી ચેરપર્સન હતા. તેમ છતાં આ બાબતે તેમણે કંપનીના સંચાલક સામે કાર્યવાહી કરવાની તસ્દી લીધી ન હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.