કરચોરીની શંકા હશે તો છેલ્લા ૧૦ વર્ષના રીટર્નની સ્ક્રુટિની થશે
અમદાવાદ, સોમવારે આવેલા બજેટમાં નાણામંત્રીએ ઈન્કમટેક્ષના કાયદામાં કેટલાક મહત્વના ફેરફાર કર્યા છે. જેના કારણે કરચોરી કરતા લોકોની તપાસ છેલ્લા ૧૦ વર્ષ સુધી કરી શકાશે. નવા નિયમ પ્રમાણે ઈન્કમટેક્ષ અધિકારીઓ હવે કરદાતાના સ્ક્રુટીની એસેસમેન્ટ છેલ્લા ૧૦ વર્ષ સુધી કરી શકશે.
બજેટ ર૦રરમાં ઈન્કમટેક્ષમાં કરચોરી કરતા કરદાતાઓને પકડી પાડવા માટે કાયદામાં સેકશન ૧૪૭ અને ૧૪૮ માં સુધારો કરી નોટીસ આપવાની સમયમર્યાદા ૪ વર્ષની જગ્યાએ ૧૦ કરવામાં આવી છે. ઈન્કમટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા નવું સોફટવેર જે ૩૬૦ ડિગ્રીએ કરદાતાને મોનીટર કરે તેવું મુકવામાં આવ્યું છે.
જે મુજબ છેલ્લા ૧૦ વર્ષ દરમ્યાન કરદાતાના વ્યવહારોને મોનીટર કરી જાે કોઈ કરદાતાએ કરમાત્ર આવક છુપાવી હશે અથવા તો કોઈ પ્રોપર્ટીના વ્યવહારો કે વધારાની આવક ઈન્કમટેક્ષ રીટર્નમાં બતાવેલી નહીં હોય તો ઈન્કમટેક્ષ અધિકારી કરદાતાને તેની નોટીસ આપી તેની સ્ક્રુટિની એસેસમેન્ટ ફરી વખત કરી શકશે. અત્યાર સુધી આ કાયદા હેઠળ આવી સ્ક્રુટીની એસેસમેન્ટ કરવાની સમયમર્યાદા ૪ વર્ષની હતી.