કરજણના ના. મામલતદાર પાંચ હજારની લાંચ લેતા ઝડપાયા
વડોદરા, વડોદરા જિલ્લાના કરજણના નાયબ મામલતદાર જે.ડી.પરમાર રૂપિયા પાંચ હજારની લાંચ લેતા ઝડપાયા હોવાનું બહાર આવ્યું છે. જેમણે વિધાનસભા પેટા ચુંટણીમાં ગાડી મુકનાર માલિક પાસે કમિશન પેટે વીસ હજારની લાંચ માંગી હતી. નાયબ મામલતદારે તેમના વચેટીયાને કાર માલિકની પાસે લાંચની રકમ લેવા મોકલ્યો હતો. તે એસીબીના છટકામાં આવતા નાયબ મામલતદારના કરતૂતોનાં ભંડો ફૂટયો હતો.
સુત્રોના જણાવ્યા અનુસાર વડોદરા જિલ્લાના કરજણ-શિનોર વિધાનસભાની પેટાચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં કરજણ તાલુકાના માનપુર ગામના રહેવાસીઓએ પોતાની કાર ભાડેથી મૂકી હતી તેઓની કાર ચૂંટણી રથ તરીકે ફરતી હતી આ કારના બીલો મંજૂર થયા બાદ કાર માલિકના બેક એકાઉન્ટમાં જમા પણ થઈ ગયા હતા. આમ છતાં કરજણના નાયબ મામલતદાર જે.ડી. પરમાર કાર માલિકને ફોન કરી કમિશનના રૂપિયા ર૦,૦૦૦ની માગણી કરતા હતા પોલીસ મોકલવાની ધમકી આપતા હતા.
કાર માલિક વીસ હજાર રૂપિયા આપવા ઈચ્છતા ન હતા પરંતુ અનેક વખત નાયબ મામલતદારની ઉઘરાણી બાદ પાંચ હજાર રૂપિયા આપવા માટે સમંત થયા હતા જાેકે તેઓ પાંચ હજાર રૂપિયા પણ આપવા માંગતા ન હતા પરંતુ બળજબરીથી આપવા પડતા હોવાથી તેઓએ વડોદરા લાંચ વિરોધી શાખાનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદની સાથે તેઓએ નાયબ મામલતદાર દ્વારા વારંવાર કરાતી ઉઘરાણી અને ધમકીના ઓડિયો પણ એ.સી.બી.ને આપ્યા હતા.