કરણ મહેરા અને નિશા રાવલનું લગ્નજીવન મુશ્કેલીમાં પડયું ?
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/05/Karan-Mehra.jpg)
નિશા રાવલ દિકરા સાથે મુંબઈમાં, કરણ મહેરા અને નિશા રાવલ મતભેદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે
મુંબઈ: ટીવી કપલ કરણ મહેરા અને નિશા રાવલ, કે જેમના લગ્નજીવનને નવ વર્ષ થઈ ગયા છે, તેમની વચ્ચે કંઈક ઠીક ન હોવાની અફવા ચાલી રહી છે. હકીકતમાં, કરણ અને નિશાનું લગ્નજીવન મુશ્કેલીમાં હોવાનો ગણગણાટ પણ છેલ્લા કેટલાક મહિનાઓથી છે. કરણ મહેરા હાલ પંજાબમાં શૂટિંગ કરવામાં વ્યસ્ત છે જ્યારે નિશા પોતાના ચાર વર્ષના દીકરા કાવિશ સાથે મુંબઈમાં છે. સૂત્રોએ જણાવ્યું કે, કરણ અને નિશાના લગ્નજીવનને આશરે એક દશકા જેટલો સમય થઈ ગયો છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી તેમની વચ્ચે કંઈ ઠીક નથી. બંને પોતાની વચ્ચેના મતભેદનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આશા છે કે બધુ પાર પડી જશે.
પંજાબી એન્ટરટેન્મેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કરણ કામના કારણે વ્યસ્ત હોવાથી બંને એકબીજા સાથે સમય પસાર કરી શકતા નથી. પ્રોફેશનલ વર્ક ફ્રંટની વાત કરીએ તો, કરણ મહેરાએ સીરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈમાં સાત વર્ષ સુધી નૈતિક સિંઘાનિયાનો રોલ પ્લે કર્યો હતો. યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ટીવી પર લાંબા સમયથી ચાલી રહેલા શોમાંથી એક છે. શરુઆતમાં કરણ મહેરા અને હિના ખાન લીડ રોલમાં હતા.
જેમાં હિના ખાને ‘અક્ષરા’નો રોલ પ્લે કર્યો હતો, જે કરણ મહેરાની ‘ઓનસ્ક્રીન પત્ની હતી. કરણે બાદમાં રિયાલિટી શો બિગ બોસ ૧૦ અને પત્ની નિશા સાથે નચ બલિયે ૫ તેમજ કિચન ચેમ્પિયન ૫માં ભાગ લીધો હતો. તે છેલ્લે શુભારંભ તેમજ એક ભ્રમ-સર્વગુણ સંપન્નમાં જાેવા મળ્યો હતો. નિશા રાવલની વાત કરીએ તો, હાલ તે સીરિયલ ‘શાદી મુબારક’માં જાેવા મળી રહી છે.
થોડા વર્ષ સુધી ડેટિંગ કર્યા બાદ કરણ મહેરા અને નિશા રાવળે નવેમ્બર ૨૦૧૨માં લગ્ન કર્યા હતા. બંને ચાર વર્ષના દીકરા કાવિશના માતા-પિતા છે. જે ખૂબ જ ક્યૂટ છે. કપલ ઘણીવાર સોશિયલ મીડિયા પર તેની સાથેની તસવીરો શેર કરતાં રહે છે. કરણે બોલિવુડની કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે અને તે મૂળ દિલ્હીનો છે.