કરદાતાઓની કમાણી…ટ્રો-મીલમાં સમાણી
અગાઉ કરતા અડધા ભાવ છતાં મંજૂરી નહીં? શાસકપક્ષના નિર્ણય શંકાના દાયરામાં
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, શહેરના કલંક સમાન પીરાણા ડમ્પ સાઈટ બાયોમાયનીંગના નવા ટેન્ડર ફરીથી રાજકીય આંટીઘૂંટીમાં ફસાયા છે. એક વર્ષ જાહેર કરવામાં આવેલા ટેન્ડર કરતા અડધા ભાવ આવ્યા હોવા છતાં માત્ર અને માત્ર રાજકીય કોન્ટ્રાક્ટરોના લાભાર્થે નવા ટેન્ડર મંજૂર કરવામાં આવતા નથી. મ્યુનિ.શાસકો એક વર્ષ અગાઉ જે પ્રક્રિયા કરવાની હતી તે એક વર્ષ બાદ કરી રહ્યા છે. જેના કારણે તંત્રને રૂા.૧૫.૭૫ કરોડનું નુકસાન થયું છે. તેમજ તથા ટેન્ડર મંજૂર ન થવાના કારણે દર મહિને રૂા.૧.૨૫ કરોડનું નુકસાન થઈ રહ્યું છે.
મ્યુનિ.કોર્પાેરેશન દ્વારા પીરાણા ડમ્પ સાઈટ બાયોમાઈનીંગ માટે જાહેર કરવામાં આવેલા ટેન્ડરમાં અગાઉ કરતા અડધા ભાવ આવ્યા હોવા છતાં શાસકપક્ષ દ્વારા તેને મંજૂર કરવામાં આવ્યા નથી. જુલાઈ-૨૦૧૯માં ૩૦૦ મે.ટન ટ્રો-મીલ મશીન માટે પ્રતિ માસ રૂા.૬.૪૦ લાખના ભાવ આવ્યા હતા. તેમજ ટેન્ડરમાં કુલ ખર્ચ, ટેન્ડરની મુદ્દત, મશીનની સંખ્યા વગેરે બાબતે કોઈ જ સ્પષ્ટતા કરવામાં આવી ન હતી તેમ છતાં શાસક પક્ષ દ્વારા આંખ મીચીને મંજૂરી આપવામાં આવી હતી. ટેન્ડરની શરતોનો અભ્યાસ કે ચર્ચા કરવાની તસ્દી પણ સ્ટેન્ડીંગ કમીટી દ્વારા લેવામાં આવી ન હતી. મ્યુનિ.સ્ટેન્ડીંગ કમીટીના અધૂરા અભ્યાસના પરીણામે તંત્રને એક વર્ષમાં રૂા.૧૫.૭૫ કરોડનું નુકસાન થયું છે.
જાે કે, તેમાં રાજકીય કોન્ટ્રાક્ટરોને લાભ થયો હોવાથી કોઈએ વિરોધ કર્યાે નહતો. પરંતુ એક હજાર મે.ટનના મશીનમાં ભ્રષ્ટાચાર જાહેર થયા બાદ કમીશ્નરે નવેસરથી ટેન્ડર પ્રક્રિયા કરવા આદેશ કર્યા હતા. જેમાં ૩૦૦ મે.ટન ટ્રો-મીલ મશીન માટે અગાઉ કરતા અડધા ભાવ એટલે કે પ્રતિ માસ રૂા.૩.૨૧ લાખના આવ્યા છે. જેમાં નેગોસીએશન થયા બાદ રૂા.૩.૧૧ લાખના ભાવ કન્ફર્મ થયા છે. નવા ભાવથી વર્કઓર્ડર આપવામાં આવે તો મનપાને દર મહિને રૂા.૧.૨૫ કરોડનો ફાયદો થાય તેમ છે.
પરંતુ નવા ટેન્ડરમાં રાજકીય કોન્ટ્રાક્ટરો કપાયા હોવાથી તેની મંજૂરી અટવાઈ પડી છે. એક વર્ષ અગાઉ કોઈપણ ચર્ચા વિના ઉંચા ભાવની મંજૂરી આપનાર સ્ટેન્ડીંગ કમીટીને અચાનક “બ્રહ્મજ્ઞાન” થયું છે. તેમજ એક વર્ષ પહેલાં જે પ્રશ્નો પૂછવાના હતા તે હવે પૂછી રહ્યા છે. મ્યુનિ.શાસકોને આ “બ્રહ્મજ્ઞાન” પ્રજા માટે નહિં પરંતુ રાજકીય કોન્ટ્રાક્ટરોના કારણે થયું છે. સૂત્રોએ જણાવ્યા મુજબ બાયોમાઈનીંગ માટે ૧૫ જેટલાં મશીન રાજકીય કોન્ટ્રાક્ટરોના છે. જે ગત જુલાઈથી સપ્ટેમ્બરમાં જ ગોઠવાયા છે. તેથી જાે નવા ટેન્ડરને મંજૂરી આપવામાં આવે તો રાજકીય મશીનો ઉઠાવી લેવાની ફરજ પડી શકે તેમ છે. તથા રાજકીય કોન્ટ્રાક્ટરોને આર્થિક નુકસાન થઈ શકે છે. તેથી ચૂંટણી જાહેર થાય ત્યાં સુધી યેનકેન પ્રકારે મંજૂરી પ્રક્રિયામાં વિલંબ થાય તેવા પ્રયાસ થઈ રહ્યા છે. સ્ટેન્ડીંગ કમીટી દ્વારા ચાર સવાલો સાથે દરખાસ્તને હેલ્થ કમીટી સમક્ષ મોકલવામાં આવી હતી. સોમવારે મળેલી હેલ્થ કમીટીએ વધુ ચાર સવાલ ઉમેરી આઈ સવાલના જવાબ માંગ્યા છે. તેથી હવે, ૧૫ દિવસ બાદ મળનાર કમીટીમાં ફરીથી દરખાસ્ત રજૂ થશે. તે સમયે અપૂરતા જવાબ કે જવાબ ન મળવાના કારણો આપી દરખાસ્ત વધુ સમય માટે પરત મોકલી શકાય છે તેવી ચર્ચા પણ ચાલી રહી છે.
મ્યુનિ.શાસકપક્ષ દ્વારા કરદાતાના પટલેવાની કમાણીનો ખુલ્લેઆમ દુરૂપયોગ થઈ રહ્યો હોવાના આક્ષેપ પણ થી રહ્યા છે. મ્યુનિ.કોંગ્રેસપક્ષના પૂર્વ નેતા સુરેન્દ્રભાઈ બક્ષીએ તીવ્ર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે નવા ટેન્ડરમાં ઓછા ભાવ આવ્યા હોવા છતાં મંજૂરીમાં થઈ રહેલો વિલંબ શંકાસ્પદ છે. મ્યુનિ.સ્ટેન્ડીંગ કમીટીએ જે કાર્યવાહી ઉંચા ભાવ સમયે કરવાની હતી તે હવે થઈ રહી છે. દરખાસ્ત મંજૂર કરવામાં વિલંબ થશે તો નુકસાનમાં પણ વધારો જથવાનો છે. તેથી હાલ ચાલી રહેલા મશીનો માટે નવા ટેન્ડરના ભાવ મુજબ જ પેમેન્ટ કરવામાં આવે તે જરૂરી છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.