કરન જોહરને NCBનું સમન્સ
મુંબઈ, બોલીવુડમાં ડ્રગ્સ રેકેટની તપાસ કરનારી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ ફિલ્મ પ્રોડ્યુસર કરન જોહરને સમન્સ મોકલ્યું છે. મળતી માહિતી મુજબ, NCB કરન જોહરને બોલીવુડમાં ફેલાયેલા ડ્રગ્સ રેકેટ અંગે પૂછપરછ કરવા માગે છે. જો કે હજુ સુધી તે સ્પષ્ટ નથી થયું કે તેઓને ક્યારે NCB ઓફિસમાં પૂછપરછ માટે હાજર થવાનું છે.
જો કે કેટલાંક દિવસ પહેલાં કરન જોહરના ઘરે થયેલી પાર્ટીના વાયરલ વીડિયોનો બીજો ફોરેન્સિક રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. આ વીડિયોને લઈને કહેવામાં આવી રહ્યું હતું કે તેમના ઘરમાં ડ્રગ્સની પાર્ટી થઈ હતી. ગુજરાતના ગાંધીનગરની FSLએ વીડિયોમાં નજરે પડતી સફેદ રંગની ઈમેજને રિફ્લેકશન ઓફ લાઈટ ગણાવી છે. વીડિયોમાં કોઈ પણ પ્રકારના સ્ટફની હાજરીનો ઈનકાર કરવામાં આવ્યો છે. રિપોટ્સમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું છે કે વીડિયોમાં ડ્રગ્સ જેવી કોઈ પણ વસ્તુ કે અન્ય મટિરીયલ જોવા મળ્યું ન હતું.