કરન જોહર સહિત ૭ લોકોને બિહાર કોર્ટમાં હાજર થવા આદેશ
મુઝફ્ફરપુર: ફિલ્મ એક્ટર સુશાંત સિંહ રાજપૂત મામલે મુઝફ્ફરની કોર્ટે ફિલ્મ પ્રોડ્યુસર કરન જોહર સહિત ૭ ફિલ્મી હસ્તીઓને નોટિસ બજાવી છે. જિલ્લા અને સત્ર ન્યાયાધીશ રાકેશ માલવીયની કોર્ટે આ તમામને ૨૧ ઓક્ટોબરનાં સ્વયં કે તેમનાં વકીલનાં માધ્યમથી હાજર રહેવાનાં આદેશ આપ્યા ચે.
જે લોકોને નોટિસ બજાવવામાં આવી છે તેમાં કરન જોહર ઉપરાંત આદિત્ય ચોપરા, સંજય લીલા ભણસાલી, સાજિદ નડિયાદવાલા, એકતા કપૂર, ભૂષણ કુમાર અને દિનેશ વિજાન શામેલ છે. મુઝફ્ફરપુરનાં સુધીર ઓઝાએ ગત ૧૭ જૂનનાં મુઝફ્ફરપુર સીજેએમની કોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી હતી
જેમાં સલમાન ખાન સહિત તમામ ફિલ્મી હસ્તીઓને સુશાંતનાં મોત માટે જવાબદાર ઠેરવવામાં આવ્યાં હતાં. અધિકાર ક્ષેત્રથી બહાર જણાવતા સીજેએમની કોર્ટે આ મામલો રિજેક્ટ કરી દીધો હતો. ત્યારે સુધીર ઓઝાએ ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં રિવિઝન વાદ દાખલ કરી હતી. ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટમાં દાખલ રિવીઝન વાદની સુનાવણી કરતાં તમામને ૭ ઓક્ટોબરનાં હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ૭ ઓક્ટોબરની તારીખ પર સલમાન ખાને તેમનાં વકિલનાં માધ્યમથી હાજરી આપી હતી.
પણ આ સાત ગેરહાજર રહ્યાં હતાં. તે જોતા આ તમામ વિરુદ્ધ નોટિસ બજાવવામાં આવી છે. કોર્ટમાં અરજી કરનાર સુધીર ઓઝાનો આરોપ છે કે, આ લોકોએ જ સુશાંતની ફિલ્મો છીનવી લીધી અને કાવતરુ કર્યું જે બાદ તેઓ સુશાંતને પરેશાન કરવા લાગ્યાં જેને કારણે સુશાંત ડિપ્રેશનમાં જતો રહ્યો હતો અને કંટાળીને તેને આત્મહત્યા કરી લીધી હતી.
એડવોકેટ સુધીર ઓઝાએ જણાવ્યું કે, તમામ આરોપીઓએ કોર્ટમાં હાજરથી તેમનો પક્ષ મુકવો પડશે. આપને જણાવી દઇએ કે, દેશનાં બહુચર્ચિત કેસમાં હવે સુશાંત કેસ પણ શામેલ છે. તેની તપાસ સીબીઆઈ કરી રહી છે. સુશાંતનાં મોત બાદ બોલિવૂડનાં ડ્રગ્સ કનેક્શન પણ સામે આવ્યું હતું.