કરફ્યુ અમલ દરમ્યાન એરપોર્ટ-રેલવે સ્ટેશન પર બસ સુવિધા ઉપલબ્ધ
એએમટીએસ-૪૦ અને જનમાર્ગ ૨૫ બસ દોડાવશે
(દેવેન્દ્ર શાહ દ્વારા)અમદાવાદ, અમદાવાદ શહેરમાં શુક્રવાર રાત્રે નવ વાગ્યાથી સોમવાર સવારે છ વાગ્યા સુધી કરફ્યુની જાહેરાત કરવામાં આવી છે. કરફ્યુ અમલ દરમ્યાન બહારગામથી આવતા નાગરીકો અટવાઈ ન જાય તે માટે કાલુપુર રેલવે સ્ટેશનથી શહેરના વિવિધ વિસ્તારોમાં ખાસ બસ સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસના ચેરમેન અતુલભાઈ ભાવસારે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે કાલુપુર રેલવે સ્ટેશન ૩૪ અને ૦૬ સ્પેર મળી કુલ ૪૦ બસો મૂકવામાં આવી છે. જે અલગ અલગ ૧૭ વિસ્તારોમાં સેવા આપશે. રેલવે સ્ટેશનના ટાઈમ મુજબ બસ રૂટ નં.૨૮, ૪૯, ૬૬, ૬૬-૩, ૧૨૮, ૧૭, ૧૪૬-૧, ૧૩૫, ૧૪૨, ૧૫૦, ૮૯-૩, ૧૩૭, ૩૧-૫, ૩૫, ૧૫૧, ૧૫૨ તથા ૯૬ દોડાવવામાં આવશે. કાલુપુર રેલવે સ્ટેશનથી લાંભા, ઘુમાગામ, શીલજ ગામ, સાંતેજ, નરોડા ટર્મિનલ, મણીનગર, ચિનુભાઈ નગર, ભક્તિ સર્કિલ, વસ્ત્રાલ ગામ, સરખેજ ગામ, ચાંદખેડા, લપકામલ ગામ, માધવનગર, રજાેડા, વિવેકાનંદનગર, વાંચ ગામ તથા વટવા રેલવે કોલોની સુધી મુસાફરો માટે સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે.
અમદાવાદ જનમાર્ગ લીમીટેડ દ્વારા એરપોર્ટને સાંકળતી સેવા શરૂ કરવામાં આવશે. સરદાર પટેલ એરપોર્ટથી કર્ણાવતી કલબ સુધી તથા એરપોર્ટથી મણીનગર સુધી બસ સેવા ઉપલબ્ધ કરવામાં આવશે. એરપોર્ટ માટે કુલ ૨૫ બસ મૂકવામાં આવશે. જનમાર્ગની બસ સેવા ૨૦ નવેમ્બર રાત્રે આઠ વાગ્યાથી શરૂ કરવામાં આવી છે.