કરમ ડાલી વિસર્જન દરમિયાન ૭ છોકરીઓનું ડૂબવાથી મોત

રાંચી, શનિવારે ઝારખંડના લતેહાર જિલ્લાના શેરેગઢા ગામમાં કરમ ડાલી વિસર્જન દરમિયાન તળાવમાં ડૂબી જવાથી સાત છોકરીઓના મોત થયા છે. મુખ્યમંત્રી હેમંત સોરેને આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ પરમાત્માને પ્રાર્થના કરી છે કે તે દિવંગત આત્માઓને શાંતિ આપે અને શોકગ્રસ્ત પરિવારોને દુઃખની ઘડી સહન કરવાની શક્તિ આપે.
ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર, બાલુમઠ પોલીસ સ્ટેશન વિસ્તારના શેરેગઢા ગામની ૧૦ છોકરીઓ કરમ ડાલી વિસર્જન માટે ગઈ હતી. તેમાંથી ૭ છોકરીઓ ડૂબી જવાને કારણે મૃત્યુ પામી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તમામ મૃતદેહોને પોતાના કબજામાં લઈ હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માત બાદ સમગ્ર ગામમાં શોકનો માહોલ છે. જણાવવામાં આવ્યું છે કે આ અકસ્માત ઊંડા પાણીમાં જવાને કારણે થયો હતો.
સ્થાનિક લોકોએ ઘટના અંગે જણાવ્યું કે શુક્રવારે રાત્રે ગામમાં કરમા પૂજા પૂર્ણ થયા બાદ ગામના લોકો શનિવારે કરમ ડાલીને વિસર્જન કરવા માટે તળાવમાં ગયા હતા. તળાવમાં સ્નાન કરતી વખતે સાત છોકરીઓ ઊંડા પાણીમાં ગઈ દરમિયાન બૂમાબૂમ કરતા આસપાસના કેટલાક લોકો તળાવમાં કૂદી પડ્યા અને છોકરીઓને બહાર કાઢી. ડૂબી જવાથી ત્રણ છોકરીઓનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.
પરિવાર ચારેય છોકરીઓને હોસ્પિટલ લઈ ગયો હતો જ્યાં ડોક્ટરોએ તમામને મૃત જાહેર કરી હતી. છોકરીઓના મૃત્યુ બાદ પરિવારોની હાલત ખરાબ છે. મૃતકોમાં ૧૮ વર્ષની રેખા કુમારી, ૮ વર્ષની લક્ષ્મી કુમારી, ૧૧ વર્ષની રીના કુમારીનો સમાવેશ થાય છે. આ ત્રણ છોકરીઓ અક્લુ ગાંજુની દીકરીઓ છે.
આ સિવાય ૮ વર્ષની મીના કુમારી, ૧૫ વર્ષની પિંકી કુમારી, ૭ વર્ષની સુષ્મા કુમારી અને ૧૭ વર્ષની સુનીતા કુમારીનું પણ અકસ્માતમાં મોત થયું હતું. પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રઘુવર દાસે લતેહાર ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, લતેહારમાં કરમ ડાલી વિસર્જન દરમિયાન સાત છોકરીઓના ડૂબી જવાનો બનાવ હૃદયસ્પર્શી છે.SSS